મુંબઈઃ કોરોનાવાઈરસ રોગનો ફેલાવો થયો છે અને બાયો-બબલમાં ક્ષતિ ઊભી થવાને કારણે ભારતમાં ગઈ 4 મેથી અધૂરી રહી ગયેલી આ વર્ષની ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) સ્પર્ધાની બાકીની મેચો આ વર્ષની 19 સપ્ટેમ્બરથી યૂનાઈટેડ આરબ અમિરાત (યૂએઈ)માં શરૂ કરાશે એવી ધારણા છે, એવું ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના એક અધિકારીએ જણાવ્યું છે.
સ્પર્ધાની ફાઈનલ મેચ 15 ઓક્ટોબરે રમાશે. સ્પર્ધાની કુલ 31 મેચો પૂરી કરવાની બાકી છે. ભારતીય ક્રિકેટ ટીમ હાલ ઈંગ્લેન્ડના લાંબા પ્રવાસે ગઈ છે. ટીમ ઈન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની WTC ફાઈનલ મેચ સાઉધમ્પ્ટનમાં 18 જૂનથી રમાશે. ત્યારબાદ ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચોની શ્રેણી રમાશે. પહેલી ટેસ્ટ 4 ઓગસ્ટથી શરૂ થશે અને છેલ્લી ટેસ્ટ 14 સપ્ટેમ્બરે પૂરી થશે. તે પછી ભારત અને ઈંગ્લેન્ડના ખેલાડીઓ આઈપીએલમાં રમવા માટે એક જ ચાર્ટર્ડ ફ્લાઈટ દ્વારા માન્ચેસ્ટરથી દુબઈ પહોંચશે.