અનુષ્કા સ્ટેડિયમ-હોટેલમાં ક્વોરન્ટીન; વિરાટને રાહત

સાઉધમ્પ્ટનઃ ભારતીય સિનિયર પુરુષ ક્રિકેટરોની ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે રમવા માટે અહીં આવી છે. મેચ 18-જૂનથી અહીંના એજીસ બોલ સ્ટેડિયમના મેદાન પર રમાશે. આ જ સ્ટેડિયમની હિલ્ટન હોટેલમાં ટીમને ઉતારો આપવામાં આવ્યો છે. ભારતના ખેલાડીઓની સાથે તેઓ એમનાં જે પરિવારજનોને લાવ્યા છે એમને પણ આ જ હોટેલમાં ઉતારો આપવામાં આવ્યો છે. ટીમના કેપ્ટન વિરાટ કોહલીની સાથે એની અભિનેત્રી પત્ની અનુષ્કા શર્મા અને પુત્રી વામિકા પણ આવ્યાં છે. ભારતના ક્રિકેટરોએ તેમનો બે-અઠવાડિયાનો હાર્ડ ક્વોરન્ટીન સમયગાળો મુંબઈમાં જ પૂરો કર્યો હતો અને તે પછી જ તેઓ લંડન માટે રવાના થયા હતા. સાઉધમ્પ્ટનની સ્ટેડિયમ-હોટેલમાં એમનો ક્વોરન્ટીન સમયગાળો ત્રણ દિવસનો હતો જે રવિવાર, 6 જૂને પૂરો થયો છે, પરંતુ એમનાં પરિવારજનોનો ક્વોરન્ટીન પીરિયડ હજી ચાલુ છે.

ખુશખુશાલ અનુષ્કાએ હોટેલમાં પોતાની એક તસવીર સોશિયલ મિડિયા પર પોસ્ટ કરી છે. આ તસવીરની સાથેની કેપ્શનમાં એણે લખ્યું છેઃ કામ પર ઘરને ન લાવવાનો નિયમ થોડાક સમય માટે વિરાટને લાગુ નહીં પડે. હું તો સ્ટેડિયમમાં ક્વોરન્ટીન થઈ છું. અનુષ્કાની આ તસવીર પર કેટલીક સેલિબ્રિટી વ્યક્તિઓએ કમેન્ટ કરી છે. સબા પટૌડીએ લખ્યું છેઃ સુરક્ષિત રહો. ઉલ્લેખનીય છે કે, કોહલી અને એના સાથીઓને એજીસ બોલ હોટેલ-સ્ટેડિયમમાં આગમન કર્યાના ક્વોરન્ટીનના ત્રીજા દિવસે વ્યક્તિગત રીતે કસરત, ટ્રેનિંગ કરવાની છૂટ મળી છે. એમને જિમ્નેશિયમમાં કસરત કરવાની અને મુખ્ય મેદાનમાં દોડવાની પરવાનગી અપાઈ છે. જોકે એમને અલગ અલગ સમય ફાળવવામાં આવ્યો છે. જોકે ખેલાડીઓને એકબીજાને મળવાની પરવાનગી નથી. જે ખેલાડીઓને હોટેલના જિમ્નેશિયમમાં જવું ન હોય એમને તેમની રૂમમાં જ કસરત કરવાના સાધનો પૂરા પાડવામાં આવ્યા છે.