દુબઈઃ ભારતમાં કોરોનાવાઈરસની બીજી લહેરને કારણે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 2021 મોસમને સસ્પેન્ડ કરી દેવાયાના સાડા ચાર મહિના બાદ આ મોસમનો બીજો તબક્કો આજથી સંયુક્ત આરબ અમિરાત (યૂએઈ)માં શરૂ થશે. આજે પહેલી મેચમાં ગયા વર્ષની ચેમ્પિયન ટીમ મુંબઈ ઈન્ડિયન્સનો મુકાબલો ચેન્નાઈ સુપર કિંગ્સ સામે થશે. રોહિત શર્મા અને મહેન્દ્રસિંહ ધોનીના નેતૃત્ત્વવાળી ટીમોની ટક્કર દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં થશે. ગયા મે મહિનામાં આઈપીએલ-2021ને જ્યારે ભારતમાં સસ્પેન્ડ કરવામાં આવી હતી ત્યારે ચેન્નાઈ ટીમ પોઈન્ટ્સ ટેબલ પર બીજા ક્રમે હતી અને મુંબઈ ટીમ ચોથા ક્રમે. આઈપીએલ-21ના પ્રથમ ચરણમાં ભારતમાં 31 મેચો રમાઈ હતી. હવે યૂએઈ ચરણમાં 24 મેચો દુબઈ, અબુધાબી અને શારજાહમાં રમાશે. ફાઈનલ મેચ 15 ઓક્ટોબરે દુબઈમાં રમાશે.
મુંબઈ ઈન્ડિયન્સની સફળતાનો આધાર પંડ્યા બંધુઓ – હાર્દિક અને કૃણાલની ઓલરાઉન્ડ કમાલ પર રહેશે. ફાસ્ટ બોલરો જસપ્રિત બુમરાહ અને ટ્રેન્ટ બોલ્ટ પણ આ ટીમની મોટી તાકાત છે. સામી બાજુએ, અનુભવી ધોની પાસે બેટિંગ ઓર્ડરમાં સુરેશ રૈના જેવો ધુરંધર છે તો બોલિંગમાં લુન્ગી એનગીડી ફાસ્ટ બોલિંગ આક્રમણ સંભાળશે. સાંજની મેચો ભારતીય સમય મુજબ સાંજે 7.30 વાગ્યાથી (સ્થાનિક સમય સાંજે 6.00) અને બપોરની મેચ 3.30 વાગ્યાથી રમાશે.
