મહેસાણાની તસ્નીમ મીર ફ્રાન્સમાં અન્ડર-19 બેડમિન્ટન ચેમ્પિયન બની

મહેસાણાઃ અત્રેની રહેવાસી અને 16-વર્ષની તસ્નીમ મીર ફ્રાન્સના વોઈરોનમાં યોજાઈ ગયેલી ફોર્ઝા આલ્પ્સ જુનિયર ઈન્ટરનેશનલ સિરીઝ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં વિજેતા બની છે. 19-વર્ષની નીચેની વયના ખેલાડીઓ માટે બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશનના ઉપક્રમે ફેડરેશન ફ્રાન્કેઈઝ ડી બેડમિન્ટન દ્વારા આયોજિત આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ટોપ સીડ તસ્નીમે આજે રમાઈ ગયેલી છોકરીઓની સિંગલ્સની ફાઈનલમાં ફ્રાન્સની એમિલી ડ્રોઈનને 21-14, 21-14 સ્કોરથી પરાસ્ત કરી હતી. આ મેચ 25-મિનિટ ચાલી હતી.

ગુવાહાટીમાં આસામ બેડમિન્ટન એકેડેમીમાં તાલીમ લેનાર તસ્નીમનું આ સતત બીજું ટાઈટલ છે. ગયા મહિને એણે બલ્ગેરિયામાં જુનિયર ઓપન સ્પર્ધા જીતી હતી. તસ્નીમનું આ વિજેતાપદ વિશેષ એટલા માટે છે કે તે સમગ્ર સ્પર્ધામાં એકેય ગેમ હારી નથી. સેમી ફાઈનલમાં એણે ફ્રાન્સની જ હરીફને માત્ર 22 મિનિટમાં, 21-14, 21-8થી હરાવી હતી.

તરૂણોના વર્ગમાં, બેંગલુરુનિવાસી 18-વર્ષીય સનીથ દયાનંદ વિજેતા બન્યો હતો. સિંગલ્સ ફાઈનલમાં એણે ફ્રાન્સના પૌલ ટોર્નફાયરને 21-15, 21-9 હરાવ્યો હતો.

તસ્નીમ આ પહેલાં બે એશિયન સ્પર્ધા પણ જીતી ચૂકી છે. દુબઈમાં અન્ડર-19 ઈન્ટરનેશનલ બેડમિન્ટન સિરીઝ એણે સિંગલ્સ અને મિક્સ્ડ ડબલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા. નેધરલેન્ડ્સમાં વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપમાં એણે કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. તસ્નીમનાં પિતા ઈરફાન મીર મહેસાણામાં પોલીસ વિભાગમાં ASI (આસિસ્ટન્ટ સબ-ઈન્સ્પેક્ટર) છે. ઈરફાન મીર પોતે બેડમિન્ટનમાં રાષ્ટ્રીય સ્તરે રમી ચૂક્યા છે. 2002માં એમણે નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ સ્પોર્ટ્સમાંથી કોચ તરીકેની તાલીમ અને માન્યતા મેળવીને મહેસાણામાં બેડમિન્ટનનું કોચિંગ શરૂ કર્યું હતું. તસ્નીમ છ વર્ષની હતી ત્યારથી પિતા સાથે જતી હતી. બીજાં બાળકો અને યુવાનોને બેડમિન્ટન રમતાં જોઈને એણે પણ રેકેટ હાથમાં લીધું હતું અને જોતજોતામાં આ રમતમાં પારંગત બની ગઈ. હૈદરાબાદમાં એણે ગોપીચંદ એકેડમીમાં તાલીમ લીધા બાદ હવે ગુવાહાટીની એકેડેમીમાં તાલીમ લે છે. એની માતા અસ્મા ત્યાં એની સાથે જ રહે છે. 11 વર્ષનો ભાઈ મોહમ્મદ અલી મહેસાણામાં પિતા સાથે રહે છે. બાળકો માટે માતા-પિતા કેટલું બલિદાન આપે છે એનો આ નમૂનો છે. ‘ચિત્રલેખા’ સાથેની વાતચીતમાં તસ્નીમે કહ્યું હતું કે, ‘મેં જીતવાને લક્ષ્ય નથી બનાવ્યું, પણ રમતનો આનંદ લેતાં રમું છું અને પરિણામ મળે છે. હું એ માટે પ્રેશર કે ટેન્શન નથી લેતી. ડિફેન્સીવ ગેમ તસ્નીમની ફેવરિટ સ્ટાઈલ છે.’