વિરાટ કોહલીએ IPLમાં RCBની કેપ્ટનશિપ પણ છોડી

દુબઈઃ ચાર દિવસની અંદર વિરાટ કોહલીએ બે વાર કેપ્ટનશિપ છોડી છે. 16 સપ્ટેમ્બરે ભારતીય T-20 ક્રિકેટ ટીમની કેપ્ટનશિપ છોડી તો 19 સપ્ટેમ્બરે મોડી રાત્રે તેણે ફેન્સને વધુ એક આંચકો આપ્યો હતો. કોહલીએ જણાવ્યું હતું RCB કેપ્ટન તરીકે એ છેલ્લી IPL સીઝન છે. ફેન્ચાઇઝીના સૌથી સફળ ક્રિકેટરમાંનો એક 32 વર્ષનો કોહલી RCB વતી રમતો રહેશે, પણ હવે અચાનક કોહલીએ કેપ્ટનશિપ છોડી દીધી છે. કોહલી આ માટે વર્કલોડનું બહાનું આપી રહ્યો છે, કે તે રાતોરાત વધ્યું છે. વળી, એવું પણ નથી કે અચાનક તેને કામના બોજનો અહેસાસ થયો છે.

IPLના 199 મેચોમાં 37.97ની સરેરાશથી 6076 રન બનાવનાર કોહલી ટુર્નામેન્ટના સૌથી સફળ બેટ્સમેન છે. આ બેટ્સમેને પાંચ સદી ને 40 અડધી સદી ફટકારી છે.

વિરાટને 2008માં લીગ શરૂ થવા પર RCB સામેલ કરવામાં આવ્યો હતો. તેને 2013માં ટીમની કેપ્ટનશિપ સોંપવામાં આવ્યો હતો. જોકે તેની આગેવાની ટીમ ક્યારેય IPLનો કપ જીતી નથી શકી, પણ તેની બ્રાન્ડ વેલ્યુને કારણે ક્યારેય તેને કેપ્ટનપદેથી દૂર નથી કરવામાં આવ્યો.

કોહલીએ એક નિવેદનમાં કહ્યું કે તે RCBના કેપ્ટનના રૂપે આ તેની છેલ્લી IPL હશે. હું છેલ્લી IPL મેચ સુધી  RCBનો ખેલાડી બન્યો રહીશ. હું મારા ઉપર વિશ્વાસ અને મારું સમર્થન કરવા બદલ ફેન્સનો આભારી છું. આ એક શાનદાર અને પ્રેરણાદાયી યાત્રા રહી. હું આ પ્રસંગે RCB મેનેજમેન્ટ, કોચ, સહયોગી સ્ટાફ, ખેલાડીઓ અને સંપૂર્ણ  RCB પરિવારને ધન્યવાદ આપવા ઇચ્છું છું, જેમણે ફ્રેન્ચાઇઝીની પ્રગતિમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.