ન્યૂઝીલેન્ડ, શ્રીલંકાની ટીમ ભારત આવશે, 4-ટેસ્ટમેચ રમશે

મુંબઈઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના સેક્રેટરી જય શાહે ભારતીય પુરુષ ક્રિકેટરો માટે ઘરઆંગણે આગામી એક વર્ષ (2021-22)ની ક્રિકેટ મોસમ માટેની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચોનો કાર્યક્રમ ઘોષિત કર્યો છે. ઘરઆંગણાની આગામી સીઝન 7 નવેમ્બરથી શરૂ થશે. આવતા વર્ષ દરમિયાન ભારત ચાર ટેસ્ટ મેચનું આયોજન કરશે. તે ઉપરાંત 3 વન-ડે ઈન્ટરનેશનલ મેચ અને 14 ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચોનું પણ આયોજન કરશે. બીસીસીઆઈની આજે મળેલી કાઉન્સિલ બેઠકમાં આ કાર્યક્રમને મંજૂરી આપવામાં આવી હતી.

નવેમ્બર 2021 અને માર્ચ 2022 વચ્ચે ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકાની ટીમ ભારતમાં આવશે અને બબ્બે ટેસ્ટ મેચ તથા ત્રણ-ત્રણ ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચો રમશે. ન્યૂઝીલેન્ડની ટીમ કાનપુર અને મુંબઈમાં ટેસ્ટ મેચ રમશે જ્યારે શ્રીલંકાની ટીમ બેંગલુરુ અને મોહાલીમાં ટેસ્ટ મેચ રમશે. બંને ટેસ્ટ સિરીઝ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો હિસ્સો હશે. વેસ્ટ ઈન્ડિઝ ટીમ 2022ના ફેબ્રુઆરીમાં ભારત આવશે અને 3 વન-ડે ઈન્ટરનેશનલ અને ત્રણ ટ્વેન્ટી-20 મેચો રમશે. ઘરઆંગણાની મોસમ વચ્ચે, ડિસેમ્બર-જાન્યુઆરીમાં, ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જ્યાં જ્યાં ત્રણેય ફોર્મેટમાં મેચો રમશે. એ જ દક્ષિણ આફ્રિકાની ટીમ બાદમાં જૂન-2022માં ભારત આવશે અને પાંચ ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચો રમશે.