લોસાન (સ્વિટ્ઝરલેન્ડ): ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (આઈઓસી)ના પ્રમુખ થોમસ બેકે જણાવ્યું છે કે આ વર્ષે નિર્ધારિત ઓલિમ્પિક ગેમ્સ માટે કોરોનાવાઈરસ બીમારીને અંકુશમાં રાખવા માટે લેવામાં આવેલા પગલાંને ટેકો આપવા માટે આઈઓસી મેડિકલ સ્ટાફને ટોકિયો મોકલવા તૈયાર છે.
થોમસ બેકે એક વિડિયો કોન્ફરન્સમાં કહ્યું કે ટોકિયોમાં ઓલિમ્પિક વિલેજ તથા ઓલિમ્પિક્સ રમતોની હરીફાઈઓના આયોજક સ્થળોએ કોવિડ-19 પ્રતિરોધક પગલાંના કડક અમલ માટે તથા મેડિકલ કામગીરીઓને મદદરૂપ થવા માટે અધિક તબીબીકર્મીઓને મોકલવા આઈઓસી વિચારે છે. ઓલિમ્પિક્સના આરંભ આડે 65 દિવસો બાકી છે ત્યારે ગેમ્સના આયોજન સામે જાપાનમાં વિરોધ થઈ રહ્યો છે તે છતાં આઈઓસી તથા સ્થાનિક આયોજકો ગેમ્સને સમયસર યોજવા માટે દબાણ કરી રહ્યા છે. ગેમ્સ આવતી 23 જુલાઈથી શરૂ થવાની છે. ગેમ્સના આરંભ પૂર્વે હાલ આઈઓસી પંચ તથા જાપાનીઝ આયોજકો વચ્ચે આખરી બેઠક યોજાઈ રહી છે. જાપાનની હોસ્પિટલોમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી રહી હોવાથી આ વર્ષે ઓલિમ્પિક્સ યોજાય તે સામે જાપાનના ડોક્ટરો અને નર્સોનો સખત વિરોધ છે. એને પગલે જ આઈઓસીના પ્રમુખ બેકે અધિક મેડિકલ સ્ટાફ મોકલવાની તૈયારી બતાવી છે.