કુલદીપે લોનમાં કોરોનાની રસી લીધી, તપાસના આદેશ

કાનપુરઃ કાનપુર જિલ્લા વહીવટી તંત્રએ ક્રિકેટર કુલદીપ યાદવની સામે તપાસનો આદેશ આપ્યો છે. કુલદીપ પર આરોપ છે કે તેણે કોરોના વાઇરસની રસી એ હોસ્પિટલમાં નહોતી લીધી, જ્યાં તેણે સ્લોટ બુક કર્યો હતો અને એ રસી ઘરે લીધી હતી. કુલદીપે શનિવારે કોવિડ-19ની રસી લીધી હતી. તેણે એનો ફોટો શેર કર્યો હતો અને લોકોને અપીલ કરી હતી કે આ રોગચાળાથી લડવા માટે રસી જરૂર લગાવો. કુલદીપે ફોટા સાથે લખ્યું હતું કે જ્યારે પણ તક મળે તરત રસી લગાવો. સુરક્ષિત રહો, કેમ કે કોવિડ-19ની સામે લડાઈમાં એકજૂટ થવાની જરૂર છે. અહેવાલ મુજબ એક વરિષ્ઠ અધિકારીએ નામ ન જણાવવાની શરતે જણાવ્યું હતું કે યાદવે કાનપુર નગર નિગમના ગેસ્ટ હાઉસની લોનમાં રસી લગાડી હતી, જ્યારે તેણે ગોવિંદનગરના જાગેશ્વર હોસ્પિટલમાં રસીનો સ્લોટ બુક કર્યો હતો.

કુલદીપનો આ ફોટો વાઇરલ થતાં ડીએમ આલોક તિવારીએ આ મામલાથી ગંભીર નોંધ લીધી હતી અને તેમણે કુલદીપને વીઆઇપી ટ્રીટમેન્ટ મળવાના આરોપ પર કહ્યું હતું કે રસીકરણ નિયમો હેઠળ આપવામાં આવી રહી છે. કોઈને વીઆઇપી ટ્રીટમેન્ટ નથી મળી રહી.

કાનપુરના જિલ્લા મેજિસ્ટ્રેટ આલોક તિવારીએ કહ્યું હતું કે એડીએમ અતુલકુમારે આ મામલે યોગ્ય તપાસ કરવા અને ત્વરિત રિપોર્ટ જમા કરાવવાનો આદેશ આપ્યો છે. જોકે કુલદીપનો આ ફોટો શેર કરતાં કેટલાય યુઝર્સે વિરોધ વ્યક્ત કર્યો છે. તેમનું કહેવું છે કે બધાને રસી લેવાના નિયમોનું યોગ્ય રીતે પાલન કરવું જોઈએ.