‘કોરોનામાંથી સાજા થયા બાદ 3-મહિને રસી લેવી’

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે આજે કહ્યું છે કે નેશનલ એક્સપર્ટ ગ્રુપ ઓન વેક્સિન એડમિનિસ્ટ્રેશન ફોર કોવિડ-19 (NEGVAC) દ્વારા કરાયેલી નવી ભલામણનો સ્વીકાર કર્યો છે. નવી ભલામણ અનુસાર, કોરોના બીમારીમાંથી સાજા થનાર વ્યક્તિએ કોરોના-પ્રતિરોધક રસી લેવાનું ત્રણ મહિના મોકૂફ રાખવું જોઈએ.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે જો કોઈ વ્યક્તિ કોરોના રસીનો પહેલો ડોઝ લીધા પછી કોરોનાનો શિકાર બને તો એણે આ બીમારીમાંથી સાજા થયાના ત્રણ મહિના સુધી બીજો ડોઝ લેવાનું મુલતવી રાખવું જોઈએ. જે વ્યક્તિઓને કોઈ અન્ય ગંભીર બીમારીઓ હોય અને જેમાં એમને હોસ્પિટલમાં કે આઈસીયૂમાં દાખલ થવું પડ્યું હોય તો એમણે રસી લેતા પહેલા 4-8 અઠવાડિયા રાહ જોવી જોઈએ. વધુમાં, કોઈ વ્યક્તિ રસી લે તે પછી અથવા કોરોનાનો શિકાર બન્યા બાદ એનો આરટી-પીસીઆર ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવે તો તેના 14 દિવસ બાદ એ રક્તદાન કરી શકે.