ધરમશાલા (હિમાચલ પ્રદેશ): હિમાલય પર્વતમાળાની વચ્ચે વસેલા ધરમશાલા નગરમાં આજે અહીંના HPCA સ્ટેડિયમ ખાતે ન્યૂઝીલેન્ડ સામેની વર્લ્ડ કપ-2023 રાઉન્ડ રોબીન લીગ મેચમાં ભારતના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી છે. ભારતની ટીમમાં બે ફેરફાર કરવામાં આવ્યા છે. હાર્દિક પંડ્યા, શાર્દુલ ઠાકુરની જગ્યાએ મોહમ્મદ શામી અને સૂર્યકુમાર યાદવનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારત માટે આ મેચ મહત્ત્વની છે. બંને ટીમ વર્તમાન વર્લ્ડ કપમાં અણનમ રહી છે. બંનેએ પોતપોતાના હિસ્સાની ચારેય મેચ જીતી છે અને 8-8 પોઈન્ટ હાંસલ કર્યા છે. વધારે સારા રનરેટ (+1.923)ના આધારે ન્યૂઝીલેન્ડ ટીમ પોઈન્ટ્સ ટેબલમાં નંબર-1 પર છે. ભારત +1.650 રનરેટ સાથે બીજા નંબરે છે. આઈસીસી સંચાલિત સ્પર્ધાઓની 1990માં શરૂઆત થઈ ત્યારથી એવી સ્પર્ધાઓમાં ભારત ઉપર ન્યૂઝીલેન્ડ ચડિયાતું રહ્યું છે. બંને વચ્ચે અત્યાર સુધીમાં 9 મેચ રમાઈ ચૂકી છે અને એમાં ન્યૂઝીલેન્ડ 8 જીત્યું છે જ્યારે ભારત માત્ર એક. રોહિત શર્મા અને તેના સાથીઓ જો આજની મેચ જીતી જશે તો વર્લ્ડ કપ-2023 પોઈન્ટ્સ ટેબલમાં નંબર-1 પર આવી જશે.
2013માં આંતરરાષ્ટ્રીય દરજ્જો પ્રાપ્ત થયો ત્યારથી અત્યાર સુધીમાં આ સ્ટેડિયમ 8 વન-ડે ઈન્ટરનેશનલ મેચનું આયોજન કરી ચૂક્યું છે. એમાંની સાત મેચ સફળતાપૂર્વક પૂરી કરી શકાઈ હતી. દુનિયાના સૌથી સુંદર ક્રિકેટ મેદાનોમાં HPCA સ્ટેડિયમની ગણના થાય છે. પરંતુ અહીંનું હવામાન સતત બદલાતું રહે છે. ખાનગી વેધશાળા એક્યૂવેધર દ્વારા આગાહી કરવામાં આવી છે કે આજે બપોરે ધરમશાલામાં વરસાદ પડવાની 43 ટકા સંભાવના છે. તાપમાન 13 ડિગ્રી સેલ્સિયસ જેટલું નીચું રહેશે. સમગ્ર દિવસ દરમિયાન આકાશમાં વાદળો 74 ટકા જેટલા છવાયેલાં રહેશે અને સાંજ પછી એ પ્રમાણ 100 ટકા પણ થઈ શકે છે. હવામાનને કારણે મેચ પર અસર પડી શકે છે.
સાંજ નજીક આવતી જશે તેમ તાપમાન વધારે ઠંડુ થશે અને વાદળોનું આવરણ 100 ટકા થઈ જશે. ભારત અને ન્યૂઝીલેન્ડ ટીમના સદ્દનસીબે, એમને અત્યાર સુધીની બધી વર્લ્ડ કપ-2023 મેચોમાં વરસાદ અને હવામાનનું વિઘ્ન નડ્યું નથી, પરંતુ સ્પર્ધા પૂર્વે બંનેની બેઉ વોર્મ-અપ મેચ ધોવાઈ ગઈ હતી.
