બ્રેક માગતા ખેલાડીઓ પર ગાવસકર ભડકી ગયા

મુંબઈઃ વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને ભારતીય ક્રિકેટ ટીમમાંના અનેક યુવા ખેલાડીઓને રમવાની તક આપવામાં આવે છે. સાથોસાથ, અનેક વરિષ્ઠ ખેલાડીઓને આરામ પણ આપવામાં આવે છે. પરંતુ, અમુક વરિષ્ઠ ખેલાડીઓ જાતે જ ક્રિકેટ બોર્ડ પાસે આરામ કરવા માટે બ્રેક માગતા હોવાનું કહેવાય છે. એવા વરિષ્ઠ ખેલાડીઓની આ માગણી સામે ભૂતપૂર્વ કેપ્ટન અને ક્રિકેટ કોમેન્ટેટર સુનીલ ગાવસકર ભડકી ગયા છે.

ગાવસકરે એમની ટીકા કરતાં જણાવ્યું છે કે, એવા ખેલાડીઓ પોતાને આઈપીએલ સ્પર્ધામાં આરામ આપવામાં આવી માગણી કેમ કરતા નથી? ખેલાડીઓ આરામ માટે બ્રેક માગે એ વાત જ મને પસંદ નથી. તમે ભારત વતી રમો છો. તમે આઈપીએલમાંથી તો બ્રેક માગતા નથી. માત્ર ભારતીય ટીમ વતી રમતી વખતે જ તમે આરામ કરવાની માગણી કરો એ મને પસંદ નથી. તમારે દેશ માટે રમવું જ પડે. સૌથી ટૂંકી ફોર્મેટમાં 20 ઓવર જ રમવાની હોય છે. એને કારણે તમારા શરીર પર કોઈ ખાસ અવળી આવતી નથી. ટેસ્ટ ક્રિકેટ રમવાથી તમારા શરીર અને મન પર અસર પડે છે. T20માં કોઈ જ ખાસ અસર પડતી નથી. બીસીસીઆઈએ આ બાબતને ધ્યાનમાં રાખવી જોઈએ. તમે રન બનાવી શકતા નથી, વિકેટ લઈ શકતા નથી તો આરામ કરીને શું કરી શકશો.