94 વર્ષનાં ભગવાનીદેવીએ ભારતને 3 મેડલ અપાવ્યાં

નવી દિલ્હીઃ ફિનલેન્ડમાં ચાલી રહેલી વિશ્વ માસ્ટર્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ-2022માં ભારત વતી ભાગ લઈને 94 વર્ષનાં વૃદ્ધા ભગવાનીદેવી ડાગરે ગઈ કાલે એક સુવર્ણ અને બે કાંસ્ય ચંદ્રક જીત્યાં છે. ટેમ્પેરે શહેરમાં રમાતી સ્પર્ધામાં હરિયાણા નિવાસી ભગવાનીદેવીએ 100 મીટરની સ્પ્રિન્ટ (ફાસ્ટ ચાલવાની હરીફાઈ)માં સુવર્ણ ચંદ્રક જીત્યો હતો અને ગોળાફેંક હરીફાઈમાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો.

આ સમાચાર ઈન્ટરનેટ પર રજૂ થતાં જ નેટિઝન્સ મુક્તકંઠે ભગવાનીદેવીની આ સિદ્ધિને બિરદાવી રહ્યાં છે. કેન્દ્રીય ખેલકૂદ મંત્રાલયે પણ તેના ટ્વિટર હેન્ડલ પર આ સમાચાર અને ભગવાનગીદેવીની તસવીરને પોસ્ટ કરીને ગજબની ફિટનેસ ધરાવતા માજીને બિરદાવ્યાં છે. ભગવાનીદેવી હરિયાણાના ખિડકા ગામનાં વતની છે. એમનો પૌત્ર વિકાસ ડાગર આંતરરાષ્ટ્રીય સ્તરે દિવ્યાંગજન-એથ્લીટ છે અને એમણે ખેલ રત્ન એવોર્ડ મેળવ્યો છે. ભગવાની દેવીએ આ વર્ષના આરંભમાં ચેન્નાઈમાં રાષ્ટ્રીય માસ્ટર્સ એથ્લેટિક્સમાં ભાગ લીધો હતો અને 3 ગોલ્ડ મેડલ જીત્યાં હતાં.

(તસવીર સૌજન્યઃ @IndiaSports)