એજબેસ્ટનઃ ઇંગ્લેન્ડે ટીમ ઇન્ડિયાને બર્મિગઘમના એજબેસ્ટનમાં પાંચમી ટેસ્ટમાં સાત વિકેટથી હરાવી દીધું છે. એ સાથે સિરીઝ 2-2થી બરાબર થઈ ગઈ છે. ટીમ ઇન્ડિયાએ ઇંગ્લેન્ડને જીત માટે 378 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જેના જવાબમાં ઇંગ્લેન્ડની ટીમે એ ત્રણ વિકેટ ગુમાવીને એ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.
ડો રૂટ અને જોની બેરિસ્ટોએ સદી ફટકારી હતી. બેરિસ્ટોએ પહેલી ઇનિંગ્સમાં પણ સદી ફટકારી હતી. જો રૂટે 141 અને બેરિસ્ટોએ 114 રનની નોટઆઉટ ઇનિંગ્સ રમી હતી. બંને વચ્ચે 269 રનની ભાગીદારી થઈ હતી.
ઇંગ્લેન્ડનો બીજી ઇનિંગ્સમાં સ્કોર એક સમયે વિના નુકસાને 107 રન હતો. ત્યાર બાદ બુમરાહે એલેક્સ લીસ અને જેક ક્રોલીની વિકેટ લઈને સ્કોર ત્રણ વિકેટે 109 રન કરી દીધો હતો. લીસે 56 રન અને ક્રોલી 46 રન બનાવીને આઉટ થયા હતા. બેરિસ્ટોને 14 રનના સ્કોરે હનુમા વિહારીએ જીવતદાન આપ્યું હતું, જે ભારતને ઘણું મોંઘું પડ્યું હતું. મેચ પાંચમા દિવસે પહેલા સત્રમાં પૂરી થઈ હતી.
બીજી ઈનિંગમાં ભારતની પ્રથમ વિકેટ 4 રને પડી હતી. ગિલ ચાર રન બનાવી આઉટ થયો હતો. પૂજારાએ સૌથી વધારે 66 રન અને પંતે 57 રન બનાવ્યા હતા. શાર્દૂલ ઠાકુર માત્ર ચાર રન પર આઉટ થયો હતો. ભારત 245 રન પર ઓલ આઉટ થયું હતું.