એશિયા કપઃ પાકિસ્તાનનું નામ નહીં હોવાથી જર્સી વિવાદ

નવી દિલ્હીઃ એશિયા કપ-2023માં ટીમ ઇન્ડિયાએ પહેલી મેચ બીજી સપ્ટેમ્બરે પાકિસ્તાન વિરુદ્ધ રમી હતી. આ મેચમાં ટીમ ઇન્ડિયા એશિયા કપ માટે નવી જર્સીમાં મેદાન પર ઊતરી હતી. એમાં એક તરફ એશિયા કપ 2023 લખેલું હતું, પરતુ એની નીચે યજમાન અને સહ યજમાન પાકિસ્તાન અને શ્રીલંકાનું નામ નહોતું. જે પછી સવાલ ઊભા થયા છે કે જર્સીમાં યજમાન દેશોનાં નામ કેમ નથી લખેલાં.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે (PCB)એ આ બાબતે સ્પષ્ટીકરણ આપતાં જણાવ્યું હતું કે એશિયન ક્રિકેટ પરિષદે વર્ષ 2022માં આયોજિત એક બેઠકમાં જર્સી પર યજમાનોનાં નામનો ઉપયોગ બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના એક નજીકના સૂત્રએ જણાવ્યું હતું કે ગયા વર્ષે એ નિર્ણય લેવામાં આવ્યો હતો કે ક્રિકેટરોના જર્સી પર યજમાનના નામનું ચલણ બંધ કરી દેવામાં આવે. જોકે BCCIના એક સૂત્રએ આવા કોઈ પણ નિર્ણયના દાવાનું ખંડન કર્યું હતું. છેલ્લી ટુર્નામેન્ટમાં જર્સી પર શ્રીલંકા 2022 લખેલું હતું.

ટીમ ઇન્ડિયાની વિરુદ્ધ મેચમાં વરસાદના વિઘ્નને કારણે પાકિસ્તાને સુપર-ચારમાં ક્વોલિફાય કરનારી પહેલી ટીમ બની ગઈ છે. રોહિત શર્માની આગેવાનીમાં ટીમ ઇન્ડિયાએ એક પોઇન્ટ મેળવ્યો છે અને નોકઆઉટમાં આગળ વધવા માટે નેપાળ સામે જીતવું જરૂરી છે. બીજા ગ્રુપની વાત કરીએ તો બંગલાદેશની વિરુદ્ધ શાનદાર જીત પછી સહ યજમાન શ્રીલંકા સુપર ચારમાં જગ્યા બનાવી લેશે, એ નક્કી છે.