નવી દિલ્હીઃ દેશના લગભગ 47 ટકા મંત્રીઓએ પોતાના વિરુદ્ધ ફોજદારી કેસ નોંધાયેલા હોવાની જાહેરાત કરી છે, જેમાં હત્યા, અપહરણ અને મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ જેવા ગંભીર આરોપો સામેલ છે, એમ એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)નો અહેવાલ કહે છે.
આ રિપોર્ટ કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ વિધાનસભા બિલો સંસદમાં રજૂ કર્યા બાદ આવ્યો છે, જેમાં ગંભીર ફોજદારી આરોપોમાં ધરપકડ બાદ 30 દિવસ સુધી હિરાસતમાં રહેવા પર PM, CM અને મંત્રીઓને પદ પરથી દૂર કરવાની જોગવાઈ છે. ADRએ 27 રાજ્યની વિધાનસભા, ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશો અને કેન્દ્રીય મંત્રીમંડળના 643 મંત્રીઓના સોગંદનામાનું અધ્યયન કર્યું હતું, જેમાંથી 302 મંત્રીઓ (47 ટકા) સામે ફોજદારી કેસ નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે. આ 302માંથી 74 મંત્રીઓ પર ગંભીર ફોજદારી કેસ નોંધાયેલા છે.
કોંગ્રેસના 74 ટકા મંત્રી દાગી
ભાજપના 336 મંત્રીઓમાંથી 136 (40 ટકા) પોતાના વિરુદ્ધ ફોજદારી કેસ હોવાની જાહેરાત કરી છે અને 88 (26 ટકા) પર ગંભીર આરોપ છે. કોંગ્રેસ શાસિત ચાર રાજ્યોમાં પાર્ટીના 45 મંત્રીઓ (74 ટકા) પર ફોજદારી કેસ નોંધાયેલા છે, જેમાંથી 18 (30 ટકા) પર ગંભીર ગુનાઓના કેસ નોંધાયેલા છે.
DMKના 31માંથી 27 મંત્રીઓ (87 ટકા) પર ફોજદારી આરોપ છે, જેમાંથી 14 (45 ટકા) પર ગંભીર કેસ નોંધાયેલા છે. TMCના 40માંથી 13 મંત્રીઓ (33 ટકા) પર કેસ નોંધાયેલા છે, જેમાંથી 8 (20 ટકા) પર ગંભીર આરોપ છે.
TDPમાં સૌથી વધારે ગુનાહિતો
પાર્ટીમાં 23માંથી 22 મંત્રીઓ (96 ટકા) પર ફોજદારી કેસ નોંધાયેલા છે અને 13 (57 ટકા) પર ગંભીર કેસ છે।. આપ પાર્ટીના 16માંથી 11 (69 ટકા) પર ફોજદારી કેસ છે, જેમાંથી 5 (31 ટકા) પર ગંભીર આરોપ છે.
આંધ્ર પ્રદેશ, તામિલનાડુ, બિહાર, ઓડિશા, મહારાષ્ટ્ર, કર્ણાટક, પંજાબ, તેલંગાણા, હિમાચલ પ્રદેશ, દિલ્હી અને પુડુચેરીમાં 60 ટકા કરતાં વધુ મંત્રીઓ પર કેસ છે. જ્યારે હરિયાણા, જમ્મુ-કાશ્મીર, નાગાલેન્ડ અને ઉત્તરાખંડના મંત્રીઓએ પોતાના વિરુદ્ધ કોઈ ફોજદારી કેસ ન હોવાની માહિતી આપી છે.
