સોમનાથ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. 10મી મેના રોજ જામનગરની મુલાકાત બાદ વડાપ્રધાન 11મી મેના રોજ પ્રથમ જ્યોતિર્લિંગ એવા ભગવાન સોમનાથ દાદાના ચરણોમાં પહોંચ્યા છે. સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ‘સોમનાથ અમૃતપર્વ-2026’માં વડાપ્રધાન મોદીએ વિશેષ હાજરી આપી છે.
વડાપ્રધાન મોદીએ જનમેદનીને સંબોધિત કરતાં કહ્યું: ‘આજે, હું ફક્ત 75 વર્ષનો ઝાંખી નથી જોઈ રહ્યો. હું વિનાશ વચ્ચે સર્જન કરવાનો સંકલ્પ જોઈ રહ્યો છું. અહીં, હું અસત્ય પર સત્યનો વિજય જોઈ રહ્યો છું. હું અહીં હજારો વર્ષો સુધી ફેલાયેલી આધ્યાત્મિક ચેતના જોઉં છું – એક એવી આધ્યાત્મિક ચેતના જેણે સમગ્ર વિશ્વને માનવતાના કલ્યાણના દ્રષ્ટિકોણથી જોયું છે. હું ભારતનો અવિનાશી સાર જોઉં છું – એક એવો સાર જેને સદીઓના દુષ્ટ પ્રયાસો પણ ભૂંસી શક્યા નથી.’
વડાપ્રધાન મોદીએ આજે એક ઐતિહાસિક વિધિના સાક્ષી બની મંદિરના 90 મીટર ઊંચા શિખર પર 11 પવિત્ર તીર્થના જળથી કુંભાભિષેક કર્યો હતો. આ માટે ખાસ ક્રેનની મદદ લેવામાં આવી હતી. ત્યાર બાદ તેમણે સોમનાથ મહાદેવના ગર્ભગૃહમાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ જળાભિષેક અને વિશેષ પૂજા-અર્ચના કરી હતી. આ સમયે મંદિર પરિસરમાં ભારતીય વાયુસેનાના ચેતક હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવતા વાતાવરણ દિવ્ય બની ગયું હતું.
પીએમ મોદીએ સરદાર પટેલને યાદ કરતાં જણાવ્યું કે, આઝાદી બાદ સોમનાથનો જીર્ણોદ્ધાર કરવો એ ભારતનું સ્વાભિમાન હતું. તેમણે તત્કાલીન રાજનીતિ પર પ્રહાર કરતા કહ્યું કે, સરદાર સાહેબે નહેરુના વિરોધ છતાં મક્કમતાથી આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. આજે અયોધ્યામાં રામ મંદિર, કાશી વિશ્વનાથ ધામ અને ઉજ્જૈન મહાકાલ લોક દ્વારા ભારત પોતાની વિરાસતને ફરી બેઠી કરી રહ્યું છે. “હર હર મહાદેવ”ના નાદ સાથે વડાપ્રધાને પોતાનું સંબોધન પૂર્ણ કર્યું હતું, જેનાથી સમગ્ર પ્રભાસ પાટણ ગુંજી ઉઠ્યું હતું.
સોમનાથનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ PM મોદી સર્કિટ હાઉસ પહોંચ્યા હતા. જ્યા બપોરનું ભોજન લઈ તેઓ વડોદરા જવા રવાના થશે. પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત બાદ તેઓ પ્રથમવાર ગુજરાત આવી રહ્યા હોવાથી વડોદરામાં ‘બંગાળ થીમ’ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે, જ્યાં તેઓ ‘સરદારધામ-3’ નું લોકાર્પણ કરશે.
સોમનાથ અમૃતપર્વ-2026: PM મોદીએ કર્યું મહાદેવનું શાસ્ત્રોક્ત પૂજન
PM Modi Performs Ritual Prayers at Somnath Temple for 'Amritparv 2026'




