ડો. જયેન મહેતા SPCDFના ચેરમેન, સંગ્રામ ચૌધરી VC તરીકે ચૂંટાયા

અમદાવાદઃ ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (અમૂલ)ના MD ડો. જયેન મહેતાને 5 મેએ અમૂલ ફેડ ડેરી, ગાંધીનગર ખાતે યોજાયેલી સરદાર પટેલ કો-ઓપરેટિવ ડેરી ફેડરેશન લિમિટેડ (SPCDF)ના પદાધિકારીઓની ચૂંટણીમાં સર્વાનુમતે ચેરમેન તરીકે ચૂંટવામાં આવ્યા છે. તેમના નામનો પ્રસ્તાવ GCMMFના ચેરમેન અશોક ચૌધરી દ્વારા તથા સમર્થન અમૂલ ડેરીના ચેરમેન શાભેસિંહ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લા કો-ઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિમિટેડના પ્રતિનિધિ  સંગ્રામ ચૌધરીને SPCDFના વાઇસ-ચેરમેન તરીકે ચૂંટવામાં આવ્યા છે. આ નવી બહુ-રાજ્ય સહકારી સંસ્થાના ચૂંટણી પરિણામોની સત્તાવાર જાહેરાત ભારત સરકારના સહકાર મંત્રાલય, નવી દિલ્હી દ્વારા નિયુક્ત સહકારી ચૂંટણી સત્તામંડળના રિટર્નિંગ ઓફિસર તેમ જ ગાંધીનગરના કલેક્ટર,  રવિન્દ્ર ડી. ખટાલે, IAS દ્વારા કરવામાં આવી હતી. SPCDFના બાયલોઝની કલમ ૩૯ મુજબ બંને હોદ્દેદારો 5 મેથી બોર્ડ ઓફ ડિરેક્ટર્સના કાર્યકાળ સુધી પોતાના હોદ્દા પર કાર્યરત રહેશે.SPCDFના બોર્ડમાં GCMMF તથા તેના 10 સભ્ય દૂધ સંઘોના એક-એક પ્રતિનિધિ ઉપરાંત આસામ, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશની સહકારી દૂધમંડળીઓના ત્રણ પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે.

SPCDFનું ઉદઘાટન ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ દ્વારા  6 જુલાઈ,2025એ દેશભરમાં સહકારી ડેરી આંદોલનને વધુ મજબૂત બનાવવા માટે કરવામાં આવ્યું હતું. SPCDFનો હેતુ 20રાજ્યોના 20,000થી વધુ ગામોના 20લાખથી વધુ દૂધ ઉત્પાદક ખેડૂતોને ગુજરાતની બહાર સંગઠિત સહકારી માળખા સાથે જોડવાનો છે, જેથી ખેડૂતોને દૂધના વાજબી ભાવ, સમાન મતાધિકાર, આધુનિક સેવાઓની ઉપલબ્ધતા તથા લોકશાહી આધારિત સહકારી વ્યવસ્થાના લાભો પ્રાપ્ત થઈ શકે. GCMMFનું મજબૂત મેનેજમેન્ટ અને માર્કેટિંગ કુશળતા તથા દૂધ સંઘોની કામગીરીના સહયોગથી SPCDF ગામડાંની સહકારી દૂધ મંડળીઓથી લઈને દેશભરના ગ્રાહકો સુધી રાષ્ટ્રીય સહકારી ડેરી નેટવર્કને વધુ મજબૂત બનાવશે.

આ પહેલ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી તથા માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહના “સહકારથી સમૃદ્ધિ” તથા “વ્હાઇટ રિવોલ્યુશન2.0” ના વિઝનને સુસંગત છે. જેનો હેતુ દુધ ઉત્પાદક ખેડૂતોને સશક્ત બનાવવા, સહકારી આંદોલનનો વિસ્તાર કરવો, મૂલ્યવર્ધન વધારવું તથા ખેડૂતકેન્દ્રિત વિકાસ દ્વારા ગ્રામ્ય સમૃદ્ધિને ગતિ આપવાનો છે.ડો. જયેન મહેતા તથા શ્રી સંગ્રામ ચૌધરીના નેતૃત્વ હેઠળ SPCDF દ્વારા સહકારી ડેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવવાની તથા “સહકારથી સમૃદ્ધિ” ના વિઝનને વેગ આપવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.