પાકિસ્તાન આતંકવાદ છોડે, નહીં તો નકશામાંથી મિટાવી દેવાશેઃ સેનાપ્રમુખની ચેતવણી

નવી દિલ્હીઃ ઓપરેશન સિન્દૂર બાદ ભારતનું પાકિસ્તાન વિરુદ્ધ વલણ ખૂબ જ આકરું બની ગયું છે. આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પાકિસ્તાનને ચેતવણી આપી છે. તેમણે કહ્યું હતું કે જો પાકિસ્તાન નકશામાં દેખાવાનું ચાલુ રાખવું છે તો તેણે આતંકવાદ બંધ કરવો પડશે.

જો તે આતંકવાદને ટેકો આપવાનું બંધ નહીં કરે તો એ નકશામાં પણ દેખાશે નહીં.  એટલું જ નહીં, તેમણે કહ્યું હતું કે હવે ભારતીય સેના પાકિસ્તાન વિરુદ્ધ કોઈ સંયમ રાખશે નહીં. જો પાકિસ્તાન આતંકવાદ ફેલાવવાનું છોડશે નહીં તો ભારત દ્વારા ઓપરેશન સિન્દૂરનો બીજો તબક્કો શરૂ કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે ઓપરેશન સિન્દૂર એક દરમિયાન ભારતીય સેનાએ પાકિસ્તાનનાં નવ આતંકવાદી સ્થાનોને નષ્ટ કર્યાં હતાં.આ ઓપરેશનમાં પાકિસ્તાની સેનાના લગભગ 100 જવાન અને અનેક આતંકવાદીઓ ઠાર કરવામાં આવ્યા હતા. ઓપરેશન સિન્દૂરની સફળતા સૈનિકો અને સ્થાનિક લોકો બંનેને આધારે છે. આ ઓપરેશનનું નામ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાખવામાં આવ્યું હતું અને તેને મહિલાઓને સમર્પિત કરવામાં આવ્યું હતું.

સેનાપ્રમુખ જનરલ દ્વિવેદીએ કહ્યું હતું કે જો પાકિસ્તાને ભારતવિરોધી હરકતું કરતી રહે તો આપણે એવું કરીશું કે પાકિસ્તાને વિચારવું પડશે કે શું તે વિશ્વના નકશામાં દેખાવાનું  ઇચ્છે છે કે નહીં. તેમણે ભાર દઈને કહ્યું હતું કે પાકિસ્તાનને સ્ટેટ-સ્પોન્સર્ડ ટેરરિઝમ (રાજ્ય દ્વારા પ્રાયોજિત આતંકવાદ) બંધ કરવું પડશે.