રાજસ્થાનમાં ધર્માંતરણ કાયદાના વિરોધમાં સંગઠનોનું પ્રદર્શન

જયપુરઃ રાજસ્થાન સરકાર દ્વારા થોડાં અઠવાડિયાં પહેલા અમલમાં આવેલા નવા ધર્માંતરણવિરોધી કાયદા સામે પ્રદર્શન શરૂ થયાં છે. વિવિધ સંગઠનો સાથે જોડાયેલા લોકોએ તેને ગેરબંધારણીય ગણાવીને સોમવારે રાજધાની જયપુરમાં રસ્તા પર પ્રદર્શન કર્યું હતું.

આ પહેલાં શહીદ સ્મારકમાં જનસભા પણ યોજાઈ હતી. પ્રદર્શન અને સભામાં અનેક સંગઠનોના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ સામેલ થયા હતા. પ્રદર્શન દરમિયાન જણાવવામાં આવ્યું હતું કે આ કાયદાના માધ્યમથી અલ્પસંખ્યકો પર દમન થવાની આશંકા છે. તેથી આ કાયદો તાત્કાલિક પાછો ખેંચવો જોઈએ.

પ્રદર્શનકારીઓએ સુપ્રીમ કોર્ટમાં રદ કરવાની માગ કરી

પ્રદર્શનકારીઓએ સુપ્રીમ કોર્ટને પણ આ કાયદો રદ કરવાની અપીલ કરી છે. આ પ્રદર્શનને વિરોધ પક્ષોએ પણ પોતાનું સમર્થન આપ્યું હતું. રાજસ્થાન મદરેસા બોર્ડના ચેરમેન એમડી ચોપદાર પણ આ પ્રદર્શનમાં સામેલ થયા હતા. લોકો તરફથી આ કાયદા અંગે અનેક આરોપો લગાવવામાં આવ્યા છે. પ્રદર્શનકારીઓએ આ કાયદાને અધિકારોના હનન તરીકે ગણાવ્યો છે. એ સાથે જ આરોપ લગાવ્યો કે પ્રશાસનને આપવામાં આવેલા અતિશય અધિકારો હેઠળ થનારી કાર્યવાહી આ કાયદા અંતર્ગત લોકો માટે ખતરનાક સાબિત થઈ શકે છે.

રાજ્યપાલે કાયદાને મંજૂરી આપી

રાજસ્થાનમાં લાંબા સમયથી અટકેલો ધર્માંતરણ બિલ હવે કાયદો બની ગયો છે. વિધાનસભામાં રજૂ થયા બાદ તેને પસાર કરવામાં આવ્યો હતો. બિલને રાજ્યપાલ હરિભાઉ બાગડે દ્વારા મંજૂરી આપવામાં આવી છે. રાજ્યપાલની મંજૂરી બાદ આ બિલ કાયદાનો સ્વરૂપ લઈ ચૂક્યું છે. એ સાથે જ તેમણે બિલનું ગેઝેટ નોટિફિકેશન પણ જારી કર્યું છે.

રાજસ્થાન સરકારનો આ નવો કાયદો રાજસ્થાન વિધિ વિરુદ્ધ ધર્મ સમપરિવર્તન અધિનિયમ, 2025 તરીકે ઓળખાશે. તેમાં આજીવન કારાવાસ સુધીની સજા અને 50 લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે. એટલે કે જો કોઈ વ્યક્તિ બળજબરી, લાલચ અથવા છેતરપિંડીથી કોઈનું ધર્મ પરિવર્તન કરાવે છે, તો તેને કડક સજા થઈ શકે છે. એ સાથે જ ધર્મ પરિવર્તન સંબંધિત તમામ ગુનાઓ બિનજામીન પાત્ર રહેશે, એટલે આરોપીને સહેલાઈથી જામીન નહીં મળે.