હિન્દી સિનેમાના ઇતિહાસમાં અમુક ગીતો એવા હોય છે જે માત્ર ચાર્ટબસ્ટર નથી બનતા પણ એક યુગની ઓળખ
બની જાય છે. ફિલ્મ ‘તેજાબ’ નું ‘એક દો તીન…’ આવું જ એક ગીત છે. પણ આ ગીતના રેકોર્ડિંગ પાછળની જે નાટકીય કહાની છે તે કોઈ ફિલ્મી પ્લોટથી ઓછી નથી. અલકાજી જ્યારે આ ગીતના રિહર્સલ માટે સંગીતકાર લક્ષ્મીકાંત-પ્યારેલાલ પાસે ગયા ત્યારે લક્ષ્મીકાંતજી મોઢામાં પાન ચાવતા ચાવતા બોલ્યા, ‘લખો, ગીત લખો – એક દો તીન…’ અલકાજીને પહેલા તો લાગ્યું કે આ શું મજાક છે? પણ જેમ જેમ ગીત આગળ વધ્યું તેમને સમજાયું કે આ કંઈક અદભૂત અને અલગ બની રહ્યું છે.
જે દિવસે ગીત રેકોર્ડ કરવાનું હતું તે જ દિવસે કુદરત જાણે અલકાજીની પરીક્ષા લઈ રહી હતી. તેમનું ગળું ખૂબ જ ખરાબ હતું અને અવાજ બરાબર નીકળતો નહોતો. બીજી તરફ એક મોટી મુસીબત ઊભી હતી. બીજે દિવસે ૧ જુલાઈથી સંગીતવાદકોની અનિશ્ચિત મુદ્દતની હડતાલ શરૂ થવાની હતી.

જો ગીત તે રાત્રે 12 વાગ્યા પહેલા રેકોર્ડ ન થાય તો હડતાલ પૂરી ન થાય ત્યાં સુધી રેકોર્ડિંગ અટકી જવાનું હતું. મહેબૂબ સ્ટુડિયોમાં તે દિવસે ભીડ જામી હતી. 60 થી વધુ કોરસ સિંગર્સ અને અગણિત મ્યુઝિશિયન્સ (વાયોલિન, ટ્રમ્પેટ અને રિધમ સેક્શન) હાજર હતા. કોરસ સિંગર્સ માટે જગ્યા ઓછી હોવાથી તેમને સિંગિંગ રૂમમાં જ બેસાડી દેવાયા હતા. અલકા પાસે ઊભા રહેવાની પણ માંડ જગ્યા હતી. તેઓ રૂમમાં લાગેલી સરસ્વતી માતાની મૂર્તિવાળા કાચને ચીપકીને ઊભા રહ્યા હતા અને સામે માઈક હતું. સમય ઓછો હતો, 11:45 વાગ્યા હતા. લક્ષ્મીકાંતજીએ જોર દઈને કહ્યું, ‘ગળું જેવું હોય એવું, અત્યારે ગાઈ લો. ટેકનિકલ ચિંતા છોડો. બસ તમારા અવાજને માઈક પર ફેંકજો! ધીમેથી ના ગાતા.’

અલકાએ મનમાં નક્કી કર્યું કે જે થાય તે હવે પાછું વળવું નથી. સંગીત શરૂ થયું. અલકાએ પોતાના ખરાબ ગળા છતાં પૂરી ઉર્જા લગાવી દીધી. ૬૦ લોકોના કોરસ અને મોટા ઓર્કેસ્ટ્રાના અવાજની ઉપર પોતાનો અવાજ પહોંચાડવા તેમણે જે પંચ આપ્યો તે અદભૂત હતો. ઘણું લાંબુ ગીત શરૂઆતથી અંત સુધી એક જ ટેકમાં ગાવામાં આવ્યું. આશ્ચર્યની વાત એ હતી કે ન તો કોઈ મ્યુઝિશિયને ભૂલ કરી ન તો અલકા અટક્યા. રાત્રે ૧૨ વાગ્યા પહેલા રેકોર્ડિંગ પૂરું થયું! રેકોર્ડિંગ પૂરું થયા પછી અલકા રડવા જેવા થઈ ગયા હતા. તેમણે લક્ષ્મીજીને કહ્યું, ‘મેં બહુ ખરાબ ગાયું છે, મારે આ ગીત ફરીથી ડબ કરવું છે.’
લક્ષ્મીજીએ હસીને જવાબ આપ્યો, ‘તમે દરેક ગીત આવું જ ગાજો.’ પાછળથી અલકાએ અનેકવાર ડબિંગ માટે વિનંતી કરી પણ લક્ષ્મીકાંતજી અડગ રહ્યા. તેમણે કહ્યું, ‘આ ગીતમાં જે ઉર્જા અને જે લાઈવ ફીલ આવી છે તે બીજી વાર ક્યારેય નહીં મળે. હું આ ગીતને અડકવા પણ નથી માંગતો.’ આજે જ્યારે આપણે ‘એક દો તીન…’ ગીત સાંભળીએ છીએ ત્યારે આપણને ખબર પણ નથી પડતી કે તે દિવસે અલકાનું ગળું ખરાબ હતું. જે ગીતને અલકા ખરાબ માનતા હતા તે જ ગીતે તેમને રાતોરાત સુપરસ્ટાર બનાવી દીધા અને ફિલ્મફેર એવોર્ડ પણ અપાવ્યો.




