નિર્દેશક સુભાષ ઘઈને ફિલ્મ ‘ખલનાયક’ (Khalnayak, 1993) નો મુખ્ય વિચાર રાવણના પાત્ર પરથી આવ્યો હતો. શરૂઆતમાં તેઓ આ
વાર્તાને કમર્શિયલ મસાલા ફિલ્મ તરીકે નહીં, પરંતુ એક ગંભીર આર્ટ ફિલ્મ તરીકે રજૂ કરવા માગતા હતા. ફિલ્મના મુખ્ય વિલન બલ્લુના પાત્ર માટે તેમની પ્રથમ પસંદગી નાના પાટેકર હતા. પરંતુ લેખકોની સલાહ બાદ તેમણે ફિલ્મને લાર્જર-ધેન-લાઇફ કમર્શિયલ ડ્રામા તરીકે બનાવવાનું નક્કી કર્યું.
સુભાષ ઘઈ જ્યારે ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યા હતા, ત્યારે તે સમયના પાંચ-છ જાણીતા કલાકારો ખલનાયકનું પાત્ર ભજવવા આતુર હતા. અનિલ કપૂર આ રોલ માટે એટલા ઉત્સુક હતા કે તેઓ સીધા ઘઈના ઘરે પહોંચી ગયા હતા. તેમણે તો એવી પણ ઓફર કરી હતી કે જો પાત્રની જરૂરિયાત હશે તો તેઓ પોતાના માથાના વાળ ઉતરાવવા પણ તૈયાર છે.
અનિલ કપૂરની આ તત્પરતા છતાં સુભાષ ઘઈએ તેમને આ રોલ આપવાનો ઇનકાર કર્યો હતો. સુભાષ ઘઈના જણાવ્યા મુજબ, તેમને બલ્લુના પાત્ર માટે એવો ચહેરો જોઈએ હતો જેમાં એક તરફ અસલી આક્રોશ અને ભયાનકતા દેખાતી હોય, તો બીજી તરફ અદભુત માસૂમિયત પણ હોય. તેમને લાગ્યું કે આ બંને ગુણો સંજય દત્તના ચહેરા પર સંપૂર્ણ રીતે બંધબેસે છે. તેથી તેમણે અનિલ કપૂરની જગ્યાએ સંજય દત્તની પસંદગી કરી.

સુભાષ ઘઈ અને અનિલ કપૂરની જોડીએ ‘મેરી જંગ’ (Meri Jung), ‘કર્મા’ (Karma) અને ‘રામ લખન’ (Ram Lakhan) જેવી સુપરહિટ ફિલ્મો આપી હતી, છતાં ઘઈએ મિત્રતા કરતાં પાત્રની જરૂરિયાતને વધુ મહત્વ આપ્યું.
જ્યારે ‘નાયક નહીં ખલનાયક હૂં મેં’ ગીતની રચનાનો પ્રશ્ન આવ્યો, ત્યારે વાર્તાની પરિસ્થિતિ એવી હતી કે સંજય દત્તના પાત્રને એવો વિશ્વાસ અપાવવાનો હતો કે સામે આવેલી યુવતી કોઈ પોલીસ અધિકારી નહીં, પરંતુ ગામડાની સામાન્ય છોકરી છે. આ માટે સુભાષ ઘઈએ ગીતકાર આનંદ બક્ષીને ખાસ સૂચના આપી હતી કે ગીતમાં થોડું ‘ઘટિયાપન’ એટલે કે લોકગીત જેવો દેશી મિજાજ જોઈએ.
સંગીતકાર લક્ષ્મીકાંત-પ્યારેલાલે જ્યારે ગીતની ધૂન તૈયાર કરી, ત્યારે તે સંપૂર્ણપણે વેસ્ટર્ન ટ્રેક જેવી લાગતી હતી. ઘઈએ પ્યારેલાલજીને વિનંતી કરી કે ગીતના અંતમાં જો થોડો ભારતીય શાસ્ત્રીય રાગ ઉમેરવામાં આવે તો પાત્રની ગંભીરતા વધુ અસરકારક બની શકે.
શરૂઆતમાં પ્યારેલાલજીએ મજાકમાં કહ્યું હતું, “આ દૂધમાં મીઠું ક્યાંથી નાખી શકાય?” પરંતુ બાદમાં તેમણે શોભા ગુર્ટુ અને ઈલા અરુણ પાસે ગીતમાં શાસ્ત્રીય આલાપ ગવડાવ્યા, જે અદભુત સાબિત થયા. આ ઉમેરાએ ગીતને એક નવી કલાત્મક ઊંચાઈ આપી.

આ ગીતને વિનોદ રાઠોડ અને કવિતા કૃષ્ણમૂર્તિએ અવાજ આપ્યો હતો. સંજય દત્તના પાત્રમાં રહેલા રફ, આક્રમક અને અંદરથી તૂટેલા માણસની લાગણીઓને પડદા પર જીવંત કરવા માટે વિનોદ રાઠોડનો ભારે અને દમદાર અવાજ સંપૂર્ણપણે યોગ્ય સાબિત થયો હતો.
ગીતના ફિલ્માંકન દરમિયાન સુભાષ ઘઈ સંજય દત્ત પાસેથી એકદમ કુદરતી આક્રોશ અને પાગલપનની અભિવ્યક્તિ ઇચ્છતા હતા. એક દૃશ્યમાં સંજય દત્તે જેલના લોખંડના સળિયા પકડીને જોરથી હલાવવાના અને ગુસ્સો વ્યક્ત કરવાનો હતો. કહેવાય છે કે તે સમયે સંજય દત્ત પોતાની અંગત જિંદગીના તણાવ અને મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યા હતા.
તેમણે પોતાનો તમામ અસલી આક્રોશ અને દર્દ એ દૃશ્યમાં ઠાલવી દીધો હતો. સુભાષ ઘઈએ એક મુલાકાતમાં સ્વીકાર્યું હતું કે સંજય દત્તે જેલના સળિયા એટલી તાકાતથી પછાડ્યા હતા કે સેટ પર હાજર દરેક વ્યક્તિ થોડી ક્ષણો માટે સ્તબ્ધ થઈ ગઈ હતી.






