‘જોની મેરા નામ’થી ઘણા કલાકારોના નસીબ બદલાયા!

બોલિવૂડમાં અનેક ફિલ્મો ગણતરીઓ અને વ્યવસાયિક સમીકરણોથી બને છે, પરંતુ 1970ની સુપરહિટ ક્રાઇમ-થ્રિલર ‘જોની મેરા નામ’ પાછળ જ્યોતિષનો પણ એક રસપ્રદ ફાળો હતો! એટલું જ નહીં, ફિલ્મના કલાકારોની પસંદગી પણ અનેક અણધાર્યા સંજોગોમાં થઈ હતી.

ફિલ્મ વિતરણના ક્ષેત્રમાં મોટું નામ ધરાવતા ગુલશન રાય નિર્માતા તરીકે પોતાની પ્રથમ ફિલ્મ બનાવવા માગતા હતા. પંજાબના હોશિયારપુરના ભૃગુ સંહિતાના એક જ્યોતિષી અને મુંબઈના પ્રખ્યાત મૌલાના સાહેબે તેમને સલાહ આપી કે જો વિજય આનંદ (ગોલ્ડી) તેમની ફિલ્મનું દિગ્દર્શન કરશે તો ફિલ્મ સુપરહિટ થશે.

ગુલશન રાય વિજય આનંદને મળ્યા. શરૂઆતમાં ગોલ્ડીએ આ વાતને ગંભીરતાથી લીધી નહીં. પરંતુ જ્યારે મૌલાના સાહેબે જાતે ફોન કરીને આ જ વાત કહી, ત્યારે વિજય આનંદે પોતાના મોટા ભાઈ દેવ આનંદ સાથે ચર્ચા કરી અને તરત જ ફિલ્મ માટે સંમતિ આપી.

વિજય આનંદે ફી તરીકે રૂ. 3 લાખ માગ્યા. ગુલશન રાયે પોતાની આર્થિક સ્થિતિ સમજાવી અને તેમને કંપનીમાં એક-તૃતીયાંશ ભાગીદાર બનાવવાનું વચન આપ્યું. માત્ર રૂ. 5,000ની સાઇનિંગ અમાઉન્ટ સાથે ફિલ્મનું કામ શરૂ થયું.

મુખ્ય હીરો તરીકે દેવ આનંદ પહેલેથી જ નક્કી હતા. પરંતુ હીરોઇન માટે ગુલશન રાયે નવી આવેલી દક્ષિણ ભારતીય અભિનેત્રી હેમા માલિનીનું નામ સૂચવ્યું. તે સમયે તેમની પ્રથમ ફિલ્મ ‘સપનોં કા સૌદાગર’ પણ રિલીઝ થઈ નહોતી.

વિજય આનંદે તેમની ટ્રાયલ રીલ્સ જોઈ, પરંતુ શરૂઆતમાં તેઓ ખાસ પ્રભાવિત થયા નહોતા. જોકે, વ્યક્તિગત મુલાકાત પછી તેમને લાગ્યું કે આ યુવતીમાં આત્મવિશ્વાસ છે અને તેને પાત્ર માટે તૈયાર કરી શકાય. હેમા માલિનીનો લુક ખૂબ પરંપરાગત હતો, તેથી વિજય આનંદે પોતે તેમના કોસ્ટ્યુમ ડિઝાઇન કરાવ્યા અને તેમને આધુનિક લુક આપ્યો.

ફિલ્મના મુખ્ય વિલન માટે એવા અભિનેતાની જરૂર હતી, જે પડદા પર પોતાની પ્રભાવશાળી એક્ટિંગથી છવાઈ જાય. વિજય આનંદના મનમાં માત્ર પ્રેમનાથનું જ નામ હતું.

તે સમયે પ્રેમનાથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી નારાજ હતા, કારણ કે તેમને કામ મળતું નહોતું. જ્યારે વિજય આનંદે તેમને ફોન કર્યો ત્યારે તેમણે ગુસ્સામાં સ્પષ્ટ ના પાડી દીધી. પરંતુ વિજય આનંદે હિંમત હાર્યા વગર ત્રણ વખત ફોન કર્યા અને અંતે તેમના ઘરે પહોંચી ગયા. તેમણે કહ્યું, “જો તમે આ ફિલ્મ નહીં કરો તો હું આ પાત્ર જ કાઢી નાખીશ.”

એ સમયે પ્રેમનાથને હિમાલયના એક સાધુની ભવિષ્યવાણી યાદ આવી કે, “તમારી પાસે એક એવી મોટી ઓફર આવશે, જે તમારું આખું જીવન બદલી નાખશે. તેને ના ન પાડતા.” આખરે તેઓ તૈયાર થઈ ગયા. આ ફિલ્મે ખરેખર તેમની કારકિર્દીનો બીજો સુવર્ણ યુગ શરૂ કર્યો.

હીરોના ગુમ થયેલા ભાઈના પાત્ર માટે પણ એક સશક્ત અભિનેતાની જરૂર હતી. ગુલશન રાય અને વિજય આનંદ પ્રાણ પાસે પહોંચ્યા. તે ખૂબ વ્યસ્ત હતા. તેમણે પોતાની ડાયરી બતાવીને કહ્યું કે તેમની પાસે તારીખો જ નથી. સામાન્ય રીતે કોઈ નિર્દેશક વિનંતી કરવા લાગે, પરંતુ વિજય આનંદે કોઈ આગ્રહ કર્યો નહીં. તેઓ માત્ર આભાર માનીને બહાર નીકળી ગયા.

આ જોઈને પ્રાણ આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે પોતાના સેક્રેટરીને કહ્યું, “આ માણસે તારીખો માટે જીદ ન કરી, કરગર્યો પણ નહીં. આ અહંકાર નહીં, સ્વાભિમાન છે. હું તેની ફિલ્મ જરૂર કરીશ.”

ફિલ્મમાં એક એવી ડાન્સરની જરૂર હતી, જે પોતાના નૃત્યથી વિલનને મોહિત કરી શકે. તે સમયે પદ્મા ખન્ના સંઘર્ષ કરી રહ્યા હતા. તેઓ ઉત્તમ કથક નૃત્યાંગના હતા. જ્યારે તેઓ વિજય આનંદને મળવા આવ્યા ત્યારે પાન ખાવાની ટેવ અને અસ્તવ્યસ્ત દેખાવને કારણે તેઓ ખાસ પ્રભાવિત કરી શક્યા નહોતા. પરંતુ વિજય આનંદે તેમની આંખોમાં છુપાયેલું આકર્ષણ અને પ્રતિભા ઓળખી લીધી.

વિજય આનંદે એક શરત મૂકી—દાંત સાફ કરાવવા પડશે, વ્યક્તિત્વમાં બદલાવ લાવવો પડશે અને વેસ્ટર્ન ડાન્સ શીખવો પડશે. આ બધો ખર્ચ તેઓ પોતે ઉઠાવશે. પદ્મા ખન્નાએ દિવસ-રાત મહેનત કરીને વેસ્ટર્ન ડાન્સ શીખ્યો. ત્યારબાદ ફિલ્મના આઇકોનિક ગીત ‘હુસ્ન કે લાખો રંગ’ પર તેમના અદભુત નૃત્યે આખા દેશને મંત્રમુગ્ધ કરી દીધો.