ચેન્નઈઃ તામિલનાડુના મુખ્ય મંત્રી વિજયે ખેડૂતો માટે મોટી જાહેરાત કરતાં 75,000 રૂપિયા સુધીની લોન સંપૂર્ણપણે માફ કરવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું હતું કે રાજ્ય સરકાર ખેડૂતોને રાહત આપવા માટે આ નિર્ણય લઈ રહી છે. આ યોજના હેઠળ 75,000 રૂપિયા સુધીની બાકી રહેલી કૃષિ લોન સંપૂર્ણપણે માફ કરવામાં આવશે. આ જાહેરાત મુખ્ય મંત્રી વિજયના પદભાર સંભાળ્યાના 100 દિવસ પૂર્ણ થયા બાદ કરવામાં આવી છે. તેને તામિલનાડુના રાજકારણમાં એક મહત્વપૂર્ણ પડાવ માનવામાં આવી રહ્યો છે.
આ નિર્ણયની જાહેરાત કરતાં તેમણે કહ્યું હતું કે નાણાકીય પડકારો હોવા છતાં તેમની સરકાર ખેડૂતો માટે 953.06 કરોડ રૂપિયાની વધારાની સહાય ઉપલબ્ધ કરાવશે.
14.43 લાખ ખેડૂતોને સીધો લાભ
TVK સરકારના આ નિર્ણયથી રાજ્યના આશરે 14.43 લાખ ખેડૂતોને સીધો લાભ મળશે. પ્રાપ્ત માહિતી અનુસાર 1 મે 2025થી 28 ફેબ્રુઆરી, 2026 દરમિયાન સહકારી બેંકો પાસેથી લેવામાં આવેલી 75,000 રૂપિયા સુધીની પાક લોન સંપૂર્ણપણે માફ કરવામાં આવશે. આ લોન માફી યોજના હેઠળ રાજ્ય સરકાર પર આશરે 5932 કરોડ રૂપિયાનો વધારાનો નાણાકીય બોજ પડશે. મુખ્ય મંત્રી વિજયે કહ્યું કે ખેડૂતોની આર્થિક સ્થિતિ મજબૂત બનાવવા અને તેમને દેવાંના બોજમાંથી રાહત આપવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. યોજના લાગુ થયા બાદ નાના અને સીમાંત ખેડૂતોને સૌથી વધુ લાભ મળવાની અપેક્ષા છે.
News Alert ! TN CM Vijay announces full waiver of coop farm loans upto Rs 75,000 pic.twitter.com/qMEeANhJDb
— Press Trust of India (@PTI_News) August 17, 2026
ડાંગર અને શેરડીના ખેડૂતોને મોટી ભેટ, વિજય સરકારે ખરીદી બોનસ વધાર્યું
તામિલનાડુના મુખ્ય મંત્રી સી. જોસેફ વિજયે સોમવારે રાજ્યના ખેડૂતો માટે મોટી જાહેરાત કરી હતી. સીએમ વિજયે ડાંગર અને શેરડીના ખેડૂતો માટે સરકારી ખરીદી પર આપવામાં આવતા પ્રોત્સાહક બોનસ (ઇન્સેન્ટિવ)માં મોટો વધારો કરવાની જાહેરાત કરી. તેમણે કહ્યું હતું કે રાજ્યની વર્તમાન નાણાકીય સ્થિતિ બહુ સારી નથી, પરંતુ તેમ છતાં સરકારે ખેડૂતોના હિતમાં આ નિર્ણય લીધો છે.






