નવી દિલ્હી: BRICSને લઈને કોંગ્રેસની અંદર જ અલગ-અલગ મતમંતાતર સામે આવ્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પી. ચિદમ્બરમે તાજેતરમાં સવાલ ઉઠાવ્યો હતો કે છેલ્લાં બે-ત્રણ BRICS સંમેલનોથી ભારતને આખરે કેટલા નક્કર લાભ મળ્યા છે. હવે તેમની જ પાર્ટીના સાંસદ શશિ થરુરે BRICSના મહત્વ અને તેનાથી ભારતને થતા કેટલાક ફાયદા ગણાવ્યા છે.
થરૂરે જણાવ્યું હતું કે BRICS શા માટે મહત્વપૂર્ણ છે
દિલ્હીમાં યોજાનારા BRICS સંમેલન પહેલાં શશિ થરુરે કહ્યું હતું કે BRICS ગ્લોબલ સાઉથ એટલે કે વિકાસશીલ દેશો માટે એક મહત્વપૂર્ણ મંચ છે. તેમણે કહ્યું હતું કે ગ્લોબલ સાઉથમાં 100થી વધુ દેશો છે, પરંતુ BRICSમાં સામેલ 11 પ્રમુખ દેશો આ દેશોની વિવિધતા અને અલગ-અલગ વિચારોને મોટા પ્રમાણમાં રજૂ કરે છે. થરૂરના જણાવ્યાનુસાર BRICSના 11 દેશો વિશ્વની વસ્તીના મોટા હિસ્સાનું પ્રતિનિધિત્વ કરે છે અને વૈશ્વિક GDPમાં તેમનો હિસ્સો આશરે 41 ટકા છે.
ભારત માટે BRICSની યજમાની શા માટે ખાસ?
થરૂરે BRICS સંમેલનની યજમાનીને ભારત માટે પ્રતિષ્ઠાનો વિષય ગણાવ્યો. તેમણે કહ્યું હતું કે સંમેલનમાં BRICS દેશો ઉપરાંત કેટલાક નિરીક્ષક દેશોના રાષ્ટ્રપતિ અને વડા પ્રધાન સ્તરના નેતાઓ પણ સામેલ થશે. તેમના જણાવ્યાનુસાર આટલા બધા દેશોના ટોચના નેતાઓનું ભારત આવવું દેશની રાજદ્વારી પહોંચ અને અલગ-અલગ દેશોને એક મંચ પર લાવવાની ક્ષમતા દર્શાવે છે. થરૂરે કહ્યું કે વૈશ્વિક મંચ પર ભારતની આ રાજદ્વારી ક્ષમતા પોતાનામાં જ મહત્વપૂર્ણ છે.

BRICS પર ચિદમ્બરમે શું કહ્યું હતું?
આના એક દિવસ પહેલાં પી. ચિદમ્બરમે BRICS સંમેલનોથી ભારતને મળનારા નક્કર ફાયદાઓ પર સવાલ ઉઠાવ્યા હતા. તેમને નથી લાગતું કે છેલ્લા બે-ત્રણ BRICS સંમેલનોથી ભારતને કોઈ નક્કર ફાયદો અથવા નક્કર પરિણામ મળ્યું છે.
ભાજપે ચિદમ્બરમ પર નિશાન સાધ્યું હતું
ચિદમ્બરના નિવેદન બાદ ભાજપે પણ કોંગ્રેસના નેતા પર હુમલો કર્યો હતો. ભાજપે તેમને એવા ‘નારાજ ફૂફા’ લોકોમાં સામેલ ગણાવ્યા હતા, જેઓ ભારતની પ્રગતિને પચાવી શકતા નથી. આ રીતે BRICSને લઈને કોંગ્રેસના બે વરિષ્ઠ નેતાઓના નિવેદનો સામે આવ્યા છે. જ્યાં ચિદમ્બરે તેના સંમેલનોથી મળનારા નક્કર પરિણામો પર સવાલ ઉઠાવ્યા છે, ત્યાં થરૂરે BRICSની વૈશ્વિક ભૂમિકા, ભારતની રાજદ્વારી તાકાત અને તેની યજમાનીના મહત્વને રેખાંકિત કર્યું છે.




