અમદાવાદ: આગવી ફોટોગ્રાફી શૈલી અને દ્રષ્ટિકોણ માટે જાણીતા પ્રખ્યાત ફોટોગ્રાફર સૌરભ દેસાઈના લદ્દાખ પ્રવાસની અદભુત તસવીરોનું પ્રદર્શન અને વિશેષ પુસ્તક ‘JULLEY’નું વિમોચન શહેરના આંગણે યોજાવા જઈ રહ્યું છે. ૨ ઓક્ટોબર ૨૦૨૬થી ૩૧ ઓક્ટોબર ૨૦૨૬ દરમિયાન નવજીવન ટ્રસ્ટ કેમ્પસ સ્થિત ‘સત્ય આર્ટ ગેલેરી’ ખાતે કલાપ્રેમીઓ આ પ્રદર્શનને માણી શકશે.
કુદરતી સૌંદર્ય, દુર્લભ વન્યજીવો અને સ્થાનિક સંસ્કૃતિને વણી લેતી આ કલાત્મક સફર અંગે વાત કરતા નવજીવન ટ્રસ્ટના વિવેક દેસાઈએ જણાવ્યું હતું કે, સૌરભ દેસાઈ ફોટોગ્રાફી ક્ષેત્રે એક જાણીતું નામ છે અને આ એક્ઝિબિશનના માધ્યમથી અમદાવાદના કલાપ્રેમીઓ સમક્ષ તેમની સફર અને અનુભવોને તસવીરો સ્વરૂપે રજૂ કરવામાં આવ્યા છે.
પુસ્તક અને પ્રદર્શન અંગે પોતાના અનુભવો શેર કરતા સૌરભ દેસાઈએ કહ્યું, “લદ્દાખ, ઝંસ્કાર અને સ્પીતિની મારી ૧૫ વર્ષની મુસાફરી, પ્રાકૃતિક દ્રશ્યો અને સફર દરમિયાન એકત્રિત થયેલી વાર્તાઓનું પ્રતિબિંબ એટલે ‘JULLEY’ બુક અને આ ફોટો એક્ઝિબિશન. લદ્દાખે મને માત્ર ફોટોગ્રાફી નથી શીખવી, પણ કુદરત અને જીવન સાથે જીવવાનો એક નવો દ્રષ્ટિકોણ આપ્યો છે. ‘JULLEY’ એ લદ્દાખની સંસ્કૃતિમાં પ્રેમ, આદર અને આવકાર દર્શાવતી ભાવના છે.”
સૌરભ દેસાઈએ હિમાલયની કઠિન અને બર્ફીલી ટેકરીઓ વચ્ચે વિતાવેલા વર્ષોના અનુભવોને કેમેરામાં કંડારીને આ પુસ્તક અને પ્રદર્શનમાં જીવંત કર્યા છે, જે અમદાવાદના સંસ્કૃતિ અને કલાપ્રેમીઓ માટે એક અનન્ય નઝરાણું બની રહેશે.






