મહારાષ્ટ્રમાં દરિયામાં ડૂબવાથી પુણેના 8 વિદ્યાર્થીઓના કરુણ મોત

મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં સ્થિત પ્રસિદ્ધ દિવેઆગર સમુદ્ર કિનારે ગુરુવારે એક અત્યંત હૃદયદ્રાવક દુર્ઘટના સામે આવી છે. અહીં દરિયાના પાણીમાં નહાવા પડેલા પુણેના 8 વિદ્યાર્થીઓ અચાનક ઉછળેલાં કાળમુખાં મોજાં અને પાણીના ઝડપી પ્રવાહમાં ખેંચાઈ જતાં ડૂબી ગયા હતા. અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક નાગરિકો અને રાહત-બચાવ ટુકડીઓએ તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું, પરંતુ તમામ 8 વિદ્યાર્થીઓના પ્રાણપંખેરૂ ઊડી ગયા હતા. સ્થાનિક મહાકાળી વોટર સ્પોર્ટ્સના કર્મચારીઓ અને ગ્રામજનોની મદદથી તમામ મૃતદેહોને દરિયામાંથી બહાર કાઢીને બોર્લી પંચતંત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ અને કાનૂની પ્રક્રિયા માટે મોકલી આપવામાં આવ્યા છે.

42 વિદ્યાર્થીઓનું ગ્રુપ પિકનિક માટે આવ્યું હતું

મળતી માહિતી અનુસાર, પુણેના આળંદી વિસ્તારમાં આવેલી ‘વિનર્સ એકેડેમી’ ના 42 વિદ્યાર્થીઓનું એક ગ્રુપ દિવેઆગર બીચ પર ફરવા માટે આવ્યું હતું. આ પ્રવાસમાં મુખ્યત્વે 11th અને 12th ધોરણના વિદ્યાર્થીઓ સામેલ હતા. મનોરમ્ય સમુદ્ર કિનારે પહોંચ્યા બાદ ગ્રુપમાંથી 8 વિદ્યાર્થીઓ દરિયામાં તરણ માટે ઉતર્યા હતા. જોકે, દરિયામાં ઉતર્યાના થોડા જ સમયમાં ભરતીના પાણી અને બદલાતા પ્રવાહની ચપેટમાં તેઓ આવી ગયા હતા અને જોતજોતામાં ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

સમુદ્રની ઊંડાઈ અને ભરતી-ઓટનો અંદાજ ન રહ્યો

કોંકણ કિનારે આવેલો દિવેઆગર બીચ આશરે 4 થી 5 kilometer લાંબો છે. તેની સફેદ રેતી, વાદળી દરિયો અને આસપાસની લીલીછમ ટેકરીઓની સુંદરતાને કારણે દર વર્ષે હજારો પ્રવાસીઓ અહીં આવતા હોય છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, બહારથી આવતા પ્રવાસીઓ અને વિદ્યાર્થીઓને દરિયાની ઊંડાઈ, ક્ષમતા અને ભરતી-ઓટના સમયનો યોગ્ય અંદાજ હોતો નથી. અચાનક ઊછળેલાં મોજાં અને પાણીના બદલાતા સ્તરના કારણે આ મોટી દુર્ઘટના સર્જાઈ હોવાનું માનવામાં આવે છે.

સ્થાનિકોએ હાથ ધર્યું રેસ્ક્યુ ઓપરેશન

ઘટના બની કે તુરંત જ સ્થાનિક બચાવ ટુકડીઓ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. મહાકાળી વોટર સ્પોર્ટ્સના સ્ટાફ, સ્થાનિક રહેવાસીઓ અને ત્યાં હાજર અન્ય પ્રવાસીઓએ પણ બચાવ કામગીરીમાં મદદ કરી હતી. ભારે જહમત બાદ 8 વિદ્યાર્થીઓને બહાર કઢાયા હતા, પરંતુ ત્યાં સુધીમાં તેમના શ્વાસ થંભી ગયા હતા. પોલીસ અને સ્થાનિક તંત્ર હાલ આ દુર્ઘટનાના વાસ્તવિક કારણોની તપાસ કરી રહ્યું છે તેમજ વિદ્યાર્થીઓ સાથે આવેલા શિક્ષકો અને અન્ય સાથી વિદ્યાર્થીઓની પૂછપરછ કરી રહ્યું છે.