નવી દિલ્હી: ધી ક્વીન એલિઝાબેથ II કોમનવેલ્થ ટ્રસ્ટ (QECT) દ્વારા જાહેર કરવામાં આવેલા ‘૧૦૦ યંગ લીડર્સ એવોર્ડ્સ ૨૦૨૬’ (QECT 100 Young Leaders Awards 2026)માં ભારતના ૮ આશાસ્પદ યુવા નેતાની પસંદગી કરવામાં આવી છે. ૯ સપ્ટેમ્બરના રોજ યોજાયેલા એક વિશેષ સન્માન સમારોહ દરમિયાન ભારતમાં બ્રિટિશ ડેપ્યુટી હાઈકમિશનર બેન મેલોર (Ben Mellor) દ્વારા આ પ્રતિષ્ઠિત એવોર્ડ્સ એનાયત કરવામાં આવ્યા હતા.
વિશ્વભરમાંથી આવેલી હજારો સ્પર્ધાત્મક અરજીઓમાંથી પસંદ કરાયેલા આ 8 યુવા શિક્ષણ, રોજગાર, પર્યાવરણ, ખાદ્ય અને કૃષિ, આરોગ્ય અને સામાજિક સમાવેશીકરણ (Inclusion) જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં સ્થાનિક સમુદાયોના સશક્તિકરણ માટે ઉત્કૃષ્ટ કાર્ય કરી રહ્યા છે. સમગ્ર કોમનવેલ્થ દેશોમાં સૌથી વધુ એવોર્ડ વિજેતાઓ ભારતમાંથી પસંદ થયા છે.
એવોર્ડ મેળવનાર ભારતીય યુવા નેતાઓ
૧. આશ્રય સિંહ – ફાઉન્ડર, Impact91 અને Happy Periods
૨. અભિષેક ગુપ્તા – પાર્ટનર અને એક્ટિંગ CEO, NavGurukul
૩. ગિરીશ મહેતા – ફાઉન્ડર, Care Leavers’ Inner Circle (CLiC)
૪. ઇશા જોહર – કો-ફાઉન્ડર, Project Jazba
૫. પલ્લવી કેજરીવાલ – ફાઉન્ડર, The Right Pitch
૬. સમિત સાકિબ ગોરે – કો-ફાઉન્ડર, Vision Friend Eyewear અને VCU Series
૭. શક્તિ બાલાસુબ્રમણ્યમ યાદવ – ફાઉન્ડર, Buy Food with Plastic India
૮. કાવ્યા જૈન – ફાઉન્ડર, Sensei
એવોર્ડનો હેતુ અને યુવાનો માટે તકો
આ વિશેષ એવોર્ડ પહેલ સ્વર્ગસ્થ રાણી એલિઝાબેથ II ના જન્મ શતાબ્દી વર્ષ (૧૦૦મી જન્મજયંતી) ની સ્મૃતિમાં યોજવામાં આવી છે, જે યુવાનોમાં સમુદાય નિર્માણ અને સવાંગી વિકાસની તેમની વિચારધારાને સન્માનિત કરે છે.
-
નેટવર્કિંગ અને ક્ષમતા વર્ધન: આગામી મહિનાઓમાં, તમામ વિજેતાઓ વૈશ્વિક સ્તરના નેટવર્કિંગ, ક્ષમતા નિર્માણ (Capacity-building) અને વિવિધ વૈશ્વિક કાર્યક્રમોમાં ભાગ લેશે.
-
માઇક્રોગ્રાન્ટ (Microgrant): પોતાના ઉચ્ચ પ્રભાવશાળી પ્રોજેક્ટ્સ અથવા સામાજિક સંસ્થાઓનો વિસ્તાર કરવા માટે વિજેતાઓને માઇક્રોગ્રાન્ટ મેળવવાની તક મળશે.
ભારતમાં બ્રિટિશ ડેપ્યુટી હાઈકમિશનર બેન મેલોરે જણાવ્યું હતું કે, “આ ૮ આશાસ્પદ ભારતીયો ભારતની યુવા શક્તિ, સકારાત્મક પરિવર્તન અને નવીનતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આ એવોર્ડ સ્વર્ગસ્થ રાણી એલિઝાબેથ II ના યુવા શક્તિ પરના અચળ વિશ્વાસને સાચી શ્રદ્ધાંજલિ આપે છે, જેનાથી બ્રિટન અને ભારત વચ્ચેના સંબંધો વધુ ગાઢ બનશે.”
QECTના ચેરમેન સ્ટીફન બોલ (Stephen Ball) એ ઉમેર્યું કે, “કોમનવેલ્થ દેશોમાંથી પસંદ કરાયેલા આ ૧૦૦ યુવા નેતાઓ વધુ સમાવેશી, આશાસ્પદ અને સશક્ત ભવિષ્યનું નિર્માણ કરી રહ્યા છે.”




