ઉજ્જૈનના નાગચંદ્રેશ્વર મંદિરમાં નાસભાગ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત

ઉજ્જૈનઃ શ્રાવણના ત્રીજા સોમવારે ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા. વર્ષમાં માત્ર એક જ વખત ખૂલતા નાગચંદ્રેશ્વર મંદિરના દર્શન માટે પણ ભક્તોની ભારે ભીડ ઊમટી હતી. એ દરમિયાન મંદિર પરિસર નજીક હર સિદ્ધિ મંદિર સામે બેરિકેડિંગવાળા વિસ્તારમાં અચાનક ભીડનું દબાણ વધી જતાં નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. અહીં ભીડનું દબાણ વધતાં અનેક શ્રદ્ધાળુઓની તબિયત લથડી હતી. કેટલાક લોકો પડી જવા અને બેભાન થવાની માહિતી પણ સામે આવી છે. સ્થળ પર હાજર સુરક્ષા કર્મચારીઓ અને પરિજનો દ્વારા શ્રદ્ધાળુઓને ભીડમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. સ્થાનિક અહેવાલો અનુસાર આ ઘટનામાં 13 શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે.

શ્રાવણના ત્રીજા સોમવારે ભગવાન મહાકાલ સાથે નાગચંદ્રેશ્વર મંદિરના વિશેષ દર્શનને લઈને સવારથી જ મંદિર વિસ્તારમાં ભારે ભીડ જોવા મળી રહી હતી. પ્રાપ્ત માહિતી મુજબ અત્યાર સુધીમાં લગભગ 5.50 લાખ શ્રદ્ધાળુઓ દર્શન કરી ચૂક્યા છે. નાગચંદ્રેશ્વર મંદિરના કપાટ વર્ષમાં માત્ર એક વખત ખોલવામાં આવે છે, જેના કારણે અહીં દર્શન કરવા માટે દેશના અલગ-અલગ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉજ્જૈન પહોંચે છે.

ભગવાન નાગચંદ્રેશ્વરનું મંદિર મહાકાલ મંદિરના ત્રીજા માળે આવેલું છે. નાગપંચમી સિવાય વર્ષ દરમિયાન અહીં શ્રદ્ધાળુઓ માટે મંદિરના કપાટ બંધ રહે છે. આ જ કારણોસર નાગપંચમીને દિવસે દર્શન કરવા માટે દેશના વિવિધ ભાગોમાંથી શ્રદ્ધાળુઓ ઉજ્જૈન પહોંચે છે. આ વખતે નાગપંચમી અને શ્રાવણનો ત્રીજો સોમવાર એક જ દિવસે હોવાથી મહાકાલ મંદિરમાં શ્રદ્ધાળુઓની સંખ્યા વધુ રહેવાની સંભાવના હતી.

ત્રણ વખત થશે વિશેષ પૂજા

નાગપંચમીના દિવસે ભગવાન નાગચંદ્રેશ્વરની ત્રિકાલ પૂજાની પરંપરા છે. પ્રથમ પૂજા રવિવારે મધરાત બાદ મંદિરના કપાટ ખોલવામાં આવ્યા બાદ કરવામાં આવી હતી. બીજી વિશેષ પૂજા સોમવારે બપોરે 12 વાગ્યે શ્રી પંચાયતી મહાનિર્વાણી અખાડા દ્વારા કરવામાં આવી હતી. સાંજે ભગવાન મહાકાલની સંધ્યા આરતી બાદ મહાકાલેશ્વર મંદિરના પૂજારીઓ અને પુરોહિતો દ્વારા ભગવાન નાગચંદ્રેશ્વરની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવશે.