1983માં આવેલી કલ્ટ ક્લાસિક ફિલ્મ ‘માસૂમ’ આજે પણ ભારતીય સિનેમાના ઇતિહાસનું એક અનમોલ રત્ન ગણાય છે. આ
આઇકોનિક ફિલ્મના નિર્દેશન પાછળ શેખર કપૂરના જીવનનો એક એવો અણધાર્યો અને ફિલ્મી કિસ્સો છુપાયેલો છે, જે કોઈ રોલરકોસ્ટર રાઈડથી કમ નથી. શેખર લંડનથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું ભણતર પૂરું કરીને ભારત આવ્યા ત્યારે તેમનો ફિલ્મોમાં અભિનય કરવાનો હતો. તેમણે ‘જાન હાઝિર હૈ’ અને ‘ટૂટે ખિલોને’ જેવી કેટલીક ફિલ્મોમાં કામ કર્યું, પરંતુ એક અભિનેતા તરીકે ઈન્ડસ્ટ્રીમાં સતત નિષ્ફળ જઈ રહ્યા હતા. તેમની અભિનય કારકિર્દી ચાલી રહી નહોતી. તે સમયે શેખર અભિનેત્રી શબાના આઝમી સાથે ગાઢ મિત્રતામાં હતા.
શેખરે બાળપણમાં એરિક સેગલની પ્રખ્યાત નવલકથા ‘મેન, વુમન એન્ડ ચાઇલ્ડ’ વાંચી હતી. આ પુસ્તક વાંચીને તેઓ રડી પડ્યા હતા. તેમના મનમાં આ વાર્તા વસી ગઈ હતી. શબાના આઝમી શેખરની આ સંવેદનશીલતા અને વાર્તા પરની પકડથી વાકેફ હતા. તેથી તેમણે નિર્માતાને નિર્દેશન માટે શેખર કપૂરના નામની મજબૂત ભલામણ કરી. સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે જ્યારે ગુરુ દત્તના ભાઈ અને નિર્માતા દેવી દત્તે શેખરને ફિલ્મનું નિર્દેશન કરવાની ઓફર કરી ત્યારે શેખર પાસે નિર્દેશનનો શૂન્ય અનુભવ હતો. તેમણે ક્યારેય કોઈ નિર્દેશકના સહાયક તરીકે પણ કામ નહોતું કર્યું, કે કોઈ ફિલ્મ સ્કૂલમાંથી તાલીમ નહોતી લીધી. માત્ર પોતાની આંતરિક પ્રેરણા અને વાર્તા પ્રત્યેના લગાવને કારણે હા પાડી દીધી હતી. જ્યારે નક્કી થયું કે શેખર જ ફિલ્મ બનાવશે ત્યારે વાર્તાને ભારતીય મધ્યમ વર્ગના માહોલમાં ઢાળવા માટે લેખક ગુલઝારને લાવવામાં આવ્યા. ગુલઝારે આ નવલકથાના આધારે ‘માસૂમ’ ની અદભુત પટકથા અને સંવાદો તૈયાર કર્યા.

આમ એક નિષ્ફળ અભિનેતાની હતાશા, શબાના આઝમીનો ભરોસો અને એક પુસ્તક પ્રત્યેનો અદભુત લગાવ જેવા સંયોગો ભેગા થયા અને કોઈ પણ પ્રકારના અનુભવ વગરના શેખર કપૂરને ‘માસૂમ’ જેવી માસ્ટરપીસ ફિલ્મનું નિર્દેશન કરવાની નસીબજોગ તક મળી ગઈ. જ્યારે શેખર આ વાર્તા પર ફિલ્મ બનાવવા જઈ રહ્યા હતા ત્યારે ઈન્ડસ્ટ્રીના ઘણા પ્રખ્યાત, અનુભવી અને ‘જ્ઞાની’ લોકોએ તેમને સ્ક્રિપ્ટ બદલવાની સલાહ આપી હતી અને કહ્યું હતું, ‘આમાં કોઈ ડ્રામા નથી, કોઈ વિલન નથી તો આવી ફિલ્મ કોણ જોશે?’ શેખર તે સમયે ભલે બિનઅનુભવી હતા, પણ સ્વભાવે બળવાખોર હતા. તેમણે કોઈનું ન સાંભળ્યું અને પોતાની દ્રષ્ટિ મુજબ જ ફિલ્મ બનાવી. ફિલ્મ બનીને જ્યારે થિયેટરમાં રજૂ થઈ ત્યારે બોક્સ ઓફિસ પરનો નઝારો આઘાતજનક હતો.
પહેલા દિવસે થિયેટરમાં આખી ફિલ્મ જોવા માત્ર બે જ લોકો બેઠા હતા. જેમાંથી એક ખુદ શેખર કપૂર હતા. શુક્રવારથી લઈને બુધવાર સુધી ફિલ્મ સાવ ફ્લોપ રહી. વિતરકોએ હિંમત હારીને થિયેટરમાંથી ફિલ્મ ઉતારી લેવાનું નક્કી કરી લીધું. શેખર મુંબઈના રસ્તાઓ પર ફરતા ફરતા વિચારતા હતા કે હવે ફિલ્મો બનાવવાનું છોડીને જીવનમાં બીજું શું કરવું? પરંતુ કહેવાય છે ને કે સાચા દિલથી કરેલી સર્જનાત્મકતા ક્યારેય એળે જતી નથી.

ગુરુવારે અચાનક જાદુ થયો. લોકોના મોઢેથી ફિલ્મના વખાણ સાંભળીને અચાનક થિયેટરો હાઉસફુલ થવા લાગ્યા. શુક્રવાર આવતા સુધીમાં તો થિયેટરોની બહાર લાંબી લાઈનો લાગી ગઈ અને જે વિતરકોએ ફિલ્મ કાઢી નાખી હતી તેઓ તેને પાછી લાવવા દોડાદોડ કરવા લાગ્યા. જે ફિલ્મને પહેલા અઠવાડિયે જ ફ્લોપ માની લેવાઈ હતી તે માત્ર ભારતીય સિનેમાની એક માઈલસ્ટોન અને ક્લાસિક ફિલ્મ જ ન બની પણ તેણે એક ફ્લોપ એક્ટર ગણાતા શેખર કપૂરને રાતોરાત દેશના સૌથી પ્રતિભાશાળી અને દિગ્ગજ દિગ્દર્શકોની યાદીમાં મોખરાનું સ્થાન અપાવી દીધું.




