બેંગલુરુ: કર્ણાટક સરકારે રખડતા કૂતરાઓના કરડવાથી થતા મોત અને આવી ઘટનાઓમાં ઘાયલ થનાર લોકોને લઈને જાહેરનામું બહાર પાડ્યું છે. હવે જો કોઈ વ્યક્તિને કૂતરાના કરડવાથી મોત થાય તો તેના પરિવારને રાજ્ય સરકાર તરફથી પાંચ લાખ રૂપિયાની આર્થિક મદદ આપવામાં આવશે. સરકારે જણાવ્યું છે કે ઈજા થવાની સ્થિતિમાં પણ સહાય આપવામાં આવશે. જો કૂતરાએ ચામડી કરડી ખાધી હોય, ઊંડો ઘા થયો હોય, ઉઝરડાની ઈજા થઈ હોય અથવા એકસાથે અનેક જગ્યાએ કૂતરું કરડ્યું હોય તો પીડિતને કુલ 5000 રૂપિયા મળશે. જેમાંથી 3500 રૂપિયા સીધા જ પીડિતને આપવામાં આવશે અને 1500 રૂપિયા સારવાર માટે સુવર્ણ આરોગ્ય સુરક્ષા ટ્રસ્ટને મોકલવામાં આવશે.
તામિલનાડુમાંથી પણ ડરામણા આંકડા
બીજી તરફ વરિષ્ઠ કોંગ્રેસ નેતા અને ભૂતપૂર્વ ગૃહમંત્રી પી. ચિદંબરમે તામિલનાડુમાં કૂતરાઓના કરડવાથી અને રેબીઝથી થતા મોત અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું હતું કે આ વર્ષે અત્યાર સુધી તામિલનાડુમાં કૂતરાઓ દ્વારા માણસોને કરડવાના લગભગ 5.25 લાખ કેસ નોંધાયા છે અને રેબીઝથી 28 લોકોનાં મોત થયાં છે. ચિદંબરમે સોશિયલ મિડિયા પર લખ્યું હતું કે કૂતરાઓને પ્રેમ કરનારાઓની લાગણીઓ યોગ્ય છે, પરંતુ આ ડરામણા આંકડાઓ પણ ધ્યાનમાં લેવા જોઈએ. કૂતરાપ્રેમી હોવાનો અર્થ એ નથી કે આપણે રખડતા કૂતરાઓને પકડીને તેમની નસબંધી અને રસીકરણ કરવાનો વિરોધ કરીએ.
સુપ્રીમ કોર્ટનો આદેશ
કૂતરાઓના કરડવાની વધતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે તમામ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોને આદેશ આપ્યો છે કે દરેક શાળા, કોલેજ, હોસ્પિટલ, રમતગમત પરિસર, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન જેવાં જાહેર સ્થળોથી તમામ રખડતા કૂતરાઓને તરત દૂર કરવામાં આવે. કોર્ટએ સ્પષ્ટ કર્યું છે કે આવાં સ્થળોથી પકડી લાવવામાં આવેલા કૂતરાઓને નસબંધી અને રસીકરણ પછી પાછા તે જગ્યાએ છોડવામાં નહીં આવે. કોર્ટે કહ્યું કે આ સંસ્થાઓની જવાબદારી હશે કે કૂતરાઓને પકડીને નિર્ધારિત ડોગ શેલ્ટરમાં મોકલે.




