શિવાજી જયંતી નિમિત્તે રેડ રિબન દ્વારા છત્રપતિ શિવાજી મહારાજને ખાસ સંગીતમય શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. ‘મન મન સ્વરાજ’ ગીત દ્વારા દિવ્ય કુમાર,લાલિત્ય મુન્શા અને શ્રી રાઘવેન્દ્રએ શિવાજી મહારાજની શૌર્ય ગાથા ગાઈ છે.

શિવાજી જયંતીના શુભ અવસરે દિવ્ય કુમાર, લાલિત્ય મુનશા અને શ્રી રાઘવેન્દ્રએ ‘મન મન સ્વરાજ’ ગીતથી છત્રપતિ શિવાજી મહારાજના વારસાને સંગીતમય શ્રદ્ધાંજલિ આપી છે. ‘મન મન સ્વરાજ’ એક સંગીતમય શ્રદ્ધાંજલિ છે, જે છત્રપતિ શિવાજી મહારાજના જીવન, દ્રષ્ટિ અને વારસાની ઉજવણીને રજૂ કરે છે. પ્રખ્યાત ગીતકાર શ્રી રાઘવેન્દ્ર દ્વારા લખવામાં આવેલા આ ગીતને રેડ રિબન મ્યુઝિક દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. જ્યારે શૌર્યની ગાથા દર્શાવતા આ ગીતને બોલિવૂડ ગાયકો દિવ્ય કુમાર અને લાલિત્ય મુન્શાએ ગાયું છે.
‘મન મન સ્વરાજ’ શિવાજી મહારાજની હિંમત,વ્યૂહાત્મક પ્રતિભા અને ન્યાય અને સ્વ-શાસન પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. AVN પવન કુમાર દ્વારા રચિત આ રચના સૂર અને શક્તિનો સંગમ છે, જે ગર્વ અને આદરથી ગુંજતી ભાવનાત્મક અને ઉર્જાવાન કથાને દર્શાવે છે.

વીરતા અને શૌર્યના ભાવથી ભરપૂર આ ગીત વિશે વાત કરતાં દિવ્ય કુમારે કહ્યું કે શિવાજી મહારાજની યાત્રાને વ્યાખ્યાયિત કરતી આ રચના શૂરતા,સંકલ્પ અને નેતૃત્વને શક્તિશાળી રીતે વ્યક્ત કરે છે.ગાયિકા અને રેડ રિબનના સ્થાપક લાલિત્ય મુનશાએ આ પ્રોજેક્ટને ગહન અને અર્થપૂર્ણ ગણાવતાં કહ્યું કે ભારતના મહાન ઐતિહાસિક શૂરવીરોમાંના એક એવા શિવાજી મહારાજને શ્રદ્ધાંજલિ આપતા ગીતને પોતાને અવાજ આપવો એ સન્માનની વાત છે.
ગીતકાર શ્રી રાઘવેન્દ્રએ જણાવ્યું કે ‘મન મન સ્વરાજ’ એ હદ્રયમાંથી જન્મેલી ભાવના છે. આ ગીત માત્ર ઐતિહાસિક સંશોધન અને સ્વરાજ્યની વાર્તા નથી દર્શાવતું પણ પરાક્રમ અને વીરતાને ભાવનાને જાગૃત કરે છે. તેમણે એમ પણ કહ્યું કે આ ગીત આજની પેઢીને સમકાલીન સંગીતમય અભિવ્યક્તિ દ્વારા શિવાજી મહારાજના આદર્શો, હિંમત અને ફરજની ભાવના સાથે જોડવાનો પ્રયાસ છે.
શિવાજી મહારાજની શૂરતા અને વીરતાની ગાથા કહેતું આ ગીત રેડ રિબન મ્યુઝિકની યુટ્યુબ ચેનલ અને તમામ મુખ્ય ઓડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે.




