બિહાર વિધાનસભાની ચૂંટણીમાં NDAની સરકાર બનવાની શક્યતાઃ સર્વે

પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણીમાં જીત-હારને લઈને દાવ લગાવતા રાજસ્થાનના ફલોદી સટ્ટાબજારના પણ અંદાજ મુજબ આ વખતે પણ બિહારમાં NDAની સરકાર બનવાની શક્યતા છે. સટ્ટા બજારના તાજા અનુમાન મુજબ NDA ગઠબંધનને 135-138 બેઠકો મળશે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જે ચૂંટણી સર્વેની તુલનાએ ઘણી વધુ છે.

બીજી તરફ મહાગઠબંધનની વાત કરીએ તો સટોડિયાના અનુમાન મુજબ તેમને માત્ર 93થી 96 બેઠકો મળવાની શક્યતા  છે. જોકે ફલોદી સટ્ટા બજારના સટોડિયાએ વ્યક્તિગત ઉમેદવારની જીત-હારને લઈને કોઈ ભાવ જાહેર નથી કર્યો.

આ પહેલાં વોટ વાયબના સર્વેમાં મહાગઠબંધનને આગળ બતાવવામાં આવ્યું હતું. જ્યારે બિહારમાં લોકો પાસે પૂછવામાં આવ્યું કે આ વખત કયું ગઠબંધન જીતશે, ત્યારે 34.7 ટકા લોકોએ કહ્યું કે મહાગઠબંધન જીતશે. જ્યારે 34.4 ટકાએ કહ્યું હતું કે આ વખતે પણ NDA જીતશે. 12.3 ટકા લોકોએ જનસુરાજની જીતની વાત કરી. 10.1 ટકા લોકોએ કહ્યું કે તેઓ કંઈ કહી શકતા નથી.

વોટ વાયબના ફાઉન્ડરએ શું કહ્યું

વોટ વાયબના ફાઉન્ડર અમિતાભ તિવારીએ એક ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું કે જન સુરાજને કારણે આ વખત ત્રિકોણીય ચૂંટણી થઈ રહી છે. પ્રશાંત કિશોરની પાર્ટી કોના વધુ મત કાપશે તે અંગે હજી અસ્પષ્ટતા છે. તેમણે જણાવ્યું હતું કે તેજસ્વી યાદવના “દરેક ઘરમાં સરકારી નોકરી”ના વચનથી ક્યાંક ને ક્યાંક મહાગઠબંધનને ફાયદો થતો નજરે પડે છે. તેમણે એ પણ કહ્યું કે આ વખતની બિહાર ચૂંટણીમાં પ્રશાંત કિશોરનો પ્રવેશ આ મુકાબલાને સંપૂર્ણપણે ત્રિકોણીય બનાવી રહ્યો છે. એવામાં લોકોમાં ક્યાંક ને ક્યાંક ગૂંચવણની સ્થિતિ જોવા મળી રહી છે.