કેજરીવાલે CM તરીકે ત્રીજી વાર શપથ લીધા; PM મોદીના આશીર્વાદ માગ્યા

નવી દિલ્હી – દિલ્હીના મુખ્ય પ્રધાન તરીકે આમ આદમી પાર્ટી (AAP)ના સંયોજક અરવિંદ કેજરીવાલે આજે અહીં ત્રીજી વાર શપથ ગ્રહણ કર્યા. રામલીલા મેદાન ખાતે યોજવામાં આવેલા શપથવિધિ કાર્યક્રમમાં દિલ્હીના લેફ્ટેનન્ટ ગવર્નર બૈજલે એમને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા.

કેજરીવાલ ઉપરાંત એમની પાછલી સરકારમાંના તમામ છ પ્રધાનોએ પણ આજે શપથ લીધા હતા. એમાં મનીષ સિસોદીયા, સત્યેન્દ્ર જૈન, ગોપાલ રાય, કૈલાશ ગેહલોત, ઈમરાન હુસૈન અને રાજેન્દ્ર ગૌતમનો સમાવેશ થાય છે.

શપથવિધિ સમારોહમાં આમ આદમી પાર્ટીના હજારો કાર્યકર્તાઓ અને સમર્થકો હાજર રહ્યા હતા.

AAPને દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં સતત ત્રીજી વાર જિતાડવા બદલ દિલ્હીની જનતાનો આભાર માનતા બેનર્સ અને પોસ્ટર્સ સાથે AAPના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. ‘ધન્યવાદ દિલ્લી’ જેવા સૂત્રો બેનર્સ અને પોસ્ટર્સ પર જોવા મળ્યા હતા. આ સમારોહ જાહેર જનતા માટે પણ ખુલ્લો રાખવામાં આવ્યો હતો.

શપથ ગ્રહણ કર્યા બાદ પોતાના 20-મિનિટના ભાષણમાં કેજરીવાલે કહ્યું હતું કે પોતે આગામી પાંચ વર્ષ માટે કેન્દ્ર સરકાર સાથે સંકલન રાખીને કાર્ય કરશે.

પોતાની પાર્ટીની જીતને પ્રત્યેક દિલ્હીવાસીની સફળતા તરીકે ગણાવીને કેજરીવાલે કહ્યું કે પોતે દરેક જણના મુખ્ય પ્રધાન છે, પછી ભલે કોઈએ દિલ્હીવાસીઓએ ભાજપ કે કોંગ્રેસને મત આપ્યો હોય તો પણ. હું દિલ્હીના તમામ બે કરોડ લોકોને કહેવા માગું છું કે તમે સૌ મારા પરિવાર છો. તમે કોઈ પણ પાર્ટીના હો કે જાતિ કે ધર્મના હો, ગરીબ હો કે શ્રીમંત હો, આપણે સૌ એક જ પરિવારના સભ્યો છીએ. હું મુખ્ય પ્રધાન તરીકે આવતા પાંચ વર્ષમાં આપ સૌને માટે કાર્ય કરીશ.

ઉલ્લેખનીય છે કે દિલ્હીની કાતિલ ઠંડીથી બચવા માટે કેજરીવાલ કાન અને ગળાને ઢાંકવા માટે મફલર પહેરવા માટે જાણીતા છે. એમની જેવો વેશ ધારણ કરીને ‘બાળ મફલરમેન’ તરીકે 8 ફેબ્રુઆરીએ મતદાનના દિવસે જોવા મળેલા અને ફેમસ થયેલા બાળકને પણ આજે શપથવિધિ સમારોહમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું અને તે હાજર રહ્યો હતો.

કેજરીવાલે દિલ્હીની પ્રગતિ માટે પોતાની સરકારને મદદ કરવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વિનંતી કરી હતી અને ખાતરી આપી હતી કે આ માટે પોતે કેન્દ્ર સરકાર સાથે સહયોગ અને સંકલન જાળવીને કામ કરશે. મેં મારા શપથવિધિ સમારોહમાં વડા પ્રધાન મોદીને પણ આમંત્રિત કર્યા હતા. હું એમને વિનંતી કરું છું કે તેઓ દિલ્હીનો વિકાસ કરવામાં અમને મદદ કરે.

વડા પ્રધાનને એમના સંસદીય મતવિસ્તાર વારાણસીમાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપવાની હોવાથી તેઓ આજે કેજરીવાલના સમારંભમાં હાજર રહી શક્યા નહોતા.

ઉલ્લેખનીય છે કે, 70-બેઠકોની વિધાનસભાની ગત્ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી 62 બેઠકો જીતીને સપાટો બોલાવી દીધો હતો. અન્ય આઠ બેઠક ભાજપને મળી હતી. કોંગ્રેસને એકેય બેઠક મળી નથી.