નવી દિલ્હીઃ કોરોના વાઈરસનો ફેલાવો રોકવા માટે કેન્દ્ર સરકારે ગઈ 25 માર્ચથી દેશભરમાં લોકડાઉન લાગુ કર્યું છે જેને કારણે આવશ્યક સેવાઓને બાદ કરતાં તમામ પ્રકારના વ્યવહારો બંધ થઈ ગયા છે. એ સંદર્ભમાં કોંગ્રેસનાં કાર્યકારી પ્રમુખ સોનિયા ગાંધીએ આજે સવારે એમની પાર્ટી દ્વારા શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનોની એક વિડિયો કોન્ફરન્સ બેઠક બોલાવી હતી. જેમાં લોકડાઉન-3 દરમિયાન દેશમાં પ્રવર્તતી પરિસ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. સોનિયા ગાંધીએ કેન્દ્ર સરકારનો લોકડાઉન વિશે શું પ્લાન છે એ વિશે સવાલ પણ ઉઠાવ્યો હતો.
સોનિયા ગાંધીએ આ બેઠકમાં સવાલ કર્યો હતો કે લોકડાઉનની ત્રીજી મુદત 17 માર્ચે પૂરી થશે એ પછી સરકારની એક્ઝિટ વ્યૂહરચના શું હશે?
સોનિયાએ પૂછ્યું હતું કે, 17 મેચ પછી શું? અને 17 મે પછી બધું કેવી રીતે હશે? લોકડાઉનને કેટલે સુધી ચાલુ રાખવું જોઈએ એ માટે કેન્દ્ર સરકાર કયા ધારાધોરણ અપનાવી રહી છે?
ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહે પણ સવાલ ઉઠાવ્યો હતો કે લોકડાઉનને સમાપ્ત કરી દેવાયા બાદ સરકાર શું કરવાની છે. ‘આપણને જણાવવું જ જોઈએ. સોનિયાજીએ બરાબર પૂછ્યું છે કે લોકડાઉન-3 પછી શું થશે?’
રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે કહ્યું કે સરકારે આર્થિક રાહત પેકેજ જાહેર કરવું જોઈએ. જ્યાં સુધી વ્યાપક આર્થિક પેકેજ આપવામાં નહીં આવે ત્યાં સુધી રાજ્યો અને દેશ કેવી રીતે ચાલી શકશે? આપણને 10 હજાર કરોડની મહેસુલી આવકની ખોટ ગઈ છે.
બેઠકમાં રાહુલ ગાંધી પણ ઉપસ્થિત રહ્યા હતા.
