સ્કૂટરસવાર પ્રિયંકા ચોપરાના કાકાનો મોબાઈલ ઝૂંટવી ગયા

નવી દિલ્હીઃ બોલિવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાની પિતરાઈ બહેન (કાકાની દીકરી) મીરા ચોપરાએ એક બહુ ચોંકાવનારા સમાચાર શેર કર્યા છે. મીરાએ એક ટ્વીટ કરીને જણાવ્યું છે કે દિલ્હીમાં તેનાં પિતાને લૂંટી લેવામાં આવ્યા છે. મીરાએ ટ્વીટમાં દિલ્હી પોલીસ અને મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને ટેગ કરતાં સવાલ કર્યો છે કે શું આને સુરક્ષિત શહેર કહેવાય?

મીરા ચોપરાનું ટ્વીટ

મીરાએ ટ્વીટમાં લખ્યું છે કે, ‘દિલ્હી પોલીસ, મારા પિતા જ્યારે પોલીસ કોલોનીમાં વોક કરી રહ્યા હતા, ત્યારે બે યુવક સ્કૂટર પર આવ્યા હતા. તેમણે મારા પિતાને ચાકુ બતાવ્યું હતું અને તેમની પાસેથી મોબાઇલ ફોન ઝૂંટવી લીધો હતો. શું તમારા દાવા મુજબ, અમે દિલ્હીમાં આ રીતે સુરક્ષિત છીએ?’.

મીરાના ટ્વીટ બાદ ઉત્તર દિલ્હીના ડીસીપીએ ટ્વીટ કર્યું હતું અને મીરાને વધારે વિગત તથા એનો ફોન નંબર આપવા અને કઈ પોલીસો કોલોનીમાં ઘટના બની એ જણાવવા કહ્યું હતું.

ત્વરિત પગલું ભરવા બદલ પોલીસનો આભાર માન્યો

એ પછી તરત કાર્યવાહી કરવા બદલ મીરાએ અન્ય ટ્વીટમાં DCP, ઉત્તરીય દિલ્હીનો આભાર માન્યો હતો. તેણે લખ્યું, ‘આભાર,@DcpNorthDelhi આવી ત્વરિત કાર્યવાહી કરવા બદલ. મને ગર્વ છે કે આપણો પોલીસ વિભાગ અમારું રક્ષણ કરે છે. કઈ વસ્તુ છીનવી લેવાઈ એની આ વાત નથી, પણ આપણા વડીલોનું રક્ષણ કરવામાં આવે છે એ મહત્ત્વની વાત છે. દિલ્હી પોલીસ પર અમને માન છે.’

મીરાએ 2014માં ફિલ્મ ‘ગેંગ ઓફ ઘોસ્ટ્સ’થી બોલિવુડમાં શરૂઆત કરી હતી. ત્યાર પછી તેણે ‘1920 લંડન’ અને ‘ધારા 375’ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું.