નવી દિલ્હીઃ દિલ્હીના રાણી બાગ વિસ્તારમાં સોમવાર રાત્રે ઊભેલી સ્લીપર બસમાં એક મહિલાની સાથે કથિત સામૂહિક બળાત્કારની ઘટના સામે આવી છે. પોલીસે કાર્યવાહી કરીને બસના ડ્રાઈવર અને કન્ડક્ટરને ધરપકડ કરી છે.પોલીસ અને ફરિયાદ મુજબ 11 મેની રાત્રે પીડિતા કામ પરથી ઘરે પરત ફરી રહી હતી અને સરસ્વતી વિહાર બસ સ્ટોપ પાસે પહોંચી હતી. એ દરમિયાન ત્યાં ઊભેલી સ્લીપર બસ પર રહેલી એક વ્યક્તિને સમય પૂછતાં તેને જબરદસ્તી બસમાં ખેંચી લેવામાં આવી હતી. ત્યાર બાદ આરોપીઓ બસને નાંગલોઇ તરફ લઈ ગયા, જ્યાં મહિલાની સાથે કથિત રીતે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું.
પીડિતા પીતમપુરાની ઝૂંપડપટ્ટીમાં રહે છે અને મંગોલપુરીની એક ફેક્ટરીમાં કામ કરે છે. તે પરિણીત છે અને ત્રણ બાળકોની માતા છે.
મદદ માટે બૂમો પાડતી રહી મહિલા
પીડિતાના જણાવ્યા મુજબ આ ઘટના દરમિયાન બસ અલગ-અલગ વિસ્તારોમાં ફરતી રહી અને નાંગલોઇ વિસ્તાર સુધી ગઈ હતી. મહિલા સતત મદદ માટે બૂમો પાડતી રહી, પરંતુ આરોપીઓએ તેની એક પણ વાત સાંભળી નહીં. આરોપીઓએ તેની સાથે મારપીટ પણ કરી. લગભગ બે કલાક પછી આરોપીઓ મહિલાને ઇજાગ્રસ્ત હાલતમાં રસ્તા પર ફેંકીને ફરાર થઈ ગયા. કોઈ રીતે મહિલાએ પોતાને સંભાળી અને આ ઘટનાની જાણ પોલીસને કરી હતી.
મેડિકલ તપાસમાં દુષ્કર્મની પુષ્ટિ
પ્રાપ્ત માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મહિલાને હોસ્પિટલમાં ખસેડવામાં આવી. મેડિકલ તપાસમાં દુષ્કર્મની પુષ્ટિ થઈ છે. પોલીસે ઘટનામાં ઉપયોગમાં લેવાયેલી સ્લીપર બસને કબજે લીધી છે. એ સાથે જ વિસ્તારના CCTV ફુટેજની તપાસ કરવામાં આવી રહી છે, જેથી આરોપીઓની ઓળખ થઈ શકે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ ઝડપી બનાવવામાં આવી છે અને ઘટનાક્રમના દરેક પાસાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.




