નવી દિલ્હીઃ સીબીએસઈ (CBSE)ની ઓન-સ્ક્રીન માર્કિંગ (OSM) સિસ્ટમ હાલમાં ભારે વિવાદમાં છે. આ વર્ષે CBSEનું પાસિંગ પ્રમાણ 85.29 ટકા રહ્યું છે, જ્યારે ગયા વર્ષે તે 88.39 ટકા હતું. વર્ષ 2019 પછીનું આ સૌથી નીચું પરિણામ છે. તપાસમાં સામે આવ્યું છે કે OSM સિસ્ટમ અંગેની અનેક શંકાઓ અને ખામીઓ તેનો ટ્રાયલ રન દરમિયાન જ બહાર આવી ગઈ હતી, છતાં CBSEએ તેને અવગણીને સિસ્ટમ અમલમાં મૂકી દીધી હતી.

OSM સિસ્ટમ સફળતાપૂર્વક લાગુ કરવા માટે ચાર મુખ્ય શરતો જરૂરી હતી:
- મૂલ્યાંકન કેન્દ્રો ટેકનિકલી સંપૂર્ણ સક્ષમ હોવાં જોઈએ.
- ઉત્તરવહીઓ તપાસતા શિક્ષકોને પૂરતી તાલીમ આપવામાં આવવી જોઈએ.
- પારદર્શક અને ભૂલરહિત મૂલ્યાંકન માટે પૂરતો સમય ફાળવવો જોઈએ.
- ટેકનિકલ ખામી સર્જાય તો તેને તરત સુધારવાની વ્યવસ્થા હોવી જોઈએ.
આ જરૂરિયાતો પહેલેથી જ સ્પષ્ટ હતી, છતાં ટ્રાયલમાં સામેલ રહેલા લોકોના જણાવ્યાનુસાર આ ખામીઓ દૂર કરવામાં આવી નહોતી.
17 ફેબ્રુઆરીથી CBSE ધોરણ 12ની બોર્ડ પરીક્ષાઓ શરૂ થવાની હતી. તેના લગભગ એક મહિના પહેલાં બોર્ડે OSM સિસ્ટમનો ટ્રાય રન કર્યો હતો. આ પરીક્ષણ દરમિયાન અનેક સમસ્યાઓ સામે આવી હતી અને તેની જાણ CBSEને પણ કરવામાં આવી હતી. તેમ છતાં બોર્ડે આ ચેતવણીઓને અવગણીને સિસ્ટમ અમલમાં મૂકી.
અગાઉ પરીક્ષકો ભૌતિક (ફિઝિકલ) ઉત્તરવહીઓની તપાસ કરતા હતા, પરંતુ નવી વ્યવસ્થા હેઠળ વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓને સ્કેન કરીને સુરક્ષિત ઓનલાઈન પ્લેટફોર્મ પર અપલોડ કરવામાં આવી હતી. ત્યાર બાદ પરીક્ષકોએ કોમ્પ્યુટર મારફતે ડિજિટલ રીતે મૂલ્યાંકન કર્યું.
કારણ કે આ વ્યવસ્થા પ્રથમ વખત મોટા પાયે અમલમાં મૂકવામાં આવી હતી, પરિણામ જાહેર થતાં જ અનેક ખામીઓ બહાર આવવા લાગી હતી. વિદ્યાર્થીઓએ દિલ્હી હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી (PIL) દાખલ કરી. અરજીમાં OSM સિસ્ટમમાં કથિત અનિયમિતતાઓ, ટેક્નિકલ ખામીઓ અને મૂલ્યાંકનની ભૂલોનો ઉલ્લેખ કરીને નિષ્પક્ષ તપાસની માગ કરવામાં આવી છે.
કેન્દ્ર સરકારે પણ મામલાની ગંભીરતા ધ્યાનમાં લીધી અને CBSEના અધ્યક્ષ રાહુલ સિંહને પદ પરથી હટાવી દીધા. ઉપરાંત CBSEના સચિવ હિમાંશુ ગુપ્તા સામે પણ કાર્યવાહી કરવામાં આવી અને સમગ્ર OSM સિસ્ટમની વિગતવાર તપાસના આદેશ આપવામાં આવ્યા છે.






