નવી દિલ્હીઃ કોંગ્રેસનાં વચગાળાનાં પ્રમુખ સોનિયા ગાંધીએ વડા પ્રધાન મોદીને પત્ર લખીને કહ્યું છે કે કોવિડ-19ની સારવાર અને દવાઓને GSTમાંથી રાહત આપવામાં આવે તેમ જ યોગ્યતા ધરાવતા સ્થાનાંતરિત મજૂરોનાં ખાતાંઓમાં પ્રતિ મહિને રૂ. 6000 જમા કરવામાં આવે. આ સાથે જે રાજ્યોમાં રસીની અછત છે, એમને પ્રાથમિકતાના ધોરણે રસી ઉપલબ્ધ કરાવવામાં આવે, એમ તેમણે કહ્યું હતું. આ ઉપરાંત તેમણે બધાને રસી આપવાની વકીલાત પણ કરી હતી.
દેશમાં ફરી એક વાર કોરોના રોગચાળો વકર્યો છે અને અનેક રાજ્યોમાં રાત્રિ કરફ્યુ લાદવામાં આવ્યો છે, ત્યારે માઇગ્રન્ટ મજૂરોની સ્થિતિ કફોડી બની છે, એટલે તેમના પુનર્વસન માટે સરકારે એક નવી વ્યવસ્થા ઊભી કરવી જોઈએ અને એ લોકોનાં ખાતાંઓમાં પ્રતિ મહિને રૂ. 6000 જમા કરવા જોઈએ, એમ તેમણે કહ્યું હતું. કોંગ્રેસપ્રમુખે કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનો સાથે બેઠક બાદ વડા પ્રધાનને પત્ર લખ્યો હતો. કોંગ્રેસે પણ સોશિયલ મિડિયા પર બધા દેશવાસીઓ માટે રસીકરણ કેમ્પેન શરૂ કર્યું હતું.
આ સાથે દેશ જ્યારે કોરોનાની રસીની અછતનો સામનો કરી રહ્યો છે, ત્યારે રસીની નિકાસ પર પ્રતિબંધ મૂકવા અને દેશવાસીઓના રસીકરણને પ્રાથમિકતા પર કોંગ્રેસે ભાર મૂક્યો હતો. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે દેશને કોવિડ-19ની રસીની જરૂર છે, જેથી દેશવાસીઓ તમારો અવાજ ઉઠાવો, કેમ કે દરેકને સુરક્ષિત જીવવાનો અધિકાર છે. કોંગ્રેસ નેતા શશિ થરૂરે પણ કહ્યું હતું કે ભારતીયોને પહેલા રસી અપાવવી જોઈએ, વિશ્વમાં રસીની નિકાસ કરતાં પહેલાં રસી બધા ભારતીયો માટે ઉપલબ્ધ થવી જોઈએ.