લંડનથી આવેલા 6-પ્રવાસી નવા કોરોના સ્ટ્રેન પોઝિટીવ

નવી દિલ્હીઃ એર ઈન્ડિયાની ફ્લાઈટ દ્વારા લંડનથી દિલ્હી આવેલા છ પ્રવાસીનું એરપોર્ટ પર જ તબીબી પરીક્ષણ કરાતાં તેઓ કોરોના વાઈરસના નવા સ્ટ્રેનથી ચેપગ્રસ્ત હોવાનું માલૂમ પડ્યું હતું. આ નવા વાઈરસ સ્ટ્રેને બ્રિટનમાં હાહાકાર મચાવી દીધો છે. લંડનથી 266-પ્રવાસીઓ સાથેની તે ફ્લાઈટ ગઈ કાલે રાતે 11.30 વાગ્યે આવી પહોંચી હતી. તમામ પ્રવાસીઓ અને ક્રૂ મેમ્બર્સને આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે.

પાંચ પ્રવાસી દિલ્હી એરપોર્ટ પર કોવિડ-પોઝિટીવ માલૂમ પડ્યા હતા જ્યારે એક પ્રવાસીએ દિલ્હીથી ચેન્નાઈની કનેક્ટિંગ ફ્લાઈટ પકડી હતી અને ચેન્નાઈના એરપોર્ટ પર એનું તબીબી પરીક્ષણ કરાતા એનો રિપોર્ટ પણ પોઝિટીવ આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ભારત સરકારે બ્રિટનથી આવતી તથા રવાના થતી તમામ ફ્લાઈટ્સને 22 ડિસેમ્બરની મધરાતથી 31 ડિસેમ્બરની મધરાત સુધી સસ્પેન્ડ કરી દીધી છે. સોમવારે આવી પહોંચેલા અને આજે મધરાત પહેલાં બ્રિટનથી આવનાર તમામ પ્રવાસીઓનું સંબંધિત એરપોર્ટ પર નવા કોરોના વાઈરસ સ્ટ્રેન માટે પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.