આરોગ્યક્ષેત્રે વધુ ફાળવણી; બજેટના કદમાં 30%નો ઘટાડો

ગાંધીનગરઃ નાણાપ્રધાને વર્ષ 2021-22ના બજેટની તૈયારીના ભાગરૂપે રાજ્યના તમામ વિભાગોને અંદાજો તૈયાર કરવા માટેની સૂચના આપી દીધી છે. કોરોના રોગચાળાને કારણે સરકારી તિજોરીને મોટો ફટકો લાગ્યો છે. જેથી આ વખતે રાજ્ય સરકારના બજેટના કદમાં અંદાજે 30 ટકાનો ઘટાડો કરવામાં આવે એવી સંભાવના છે. વળી, આ વખતે નવા બજેટમાં આરોગ્ય ક્ષેત્રમાં વધુ નાણાંની ફાળવણી કરવામાં આવે તેવી શક્યતા છે.

રાજ્ય સરકારે તમામ વિભાગોને બજેટ અંદાજમાં 25થી 30 ટકાનો કાપ મૂકવા જણાવ્યું છે. ડિસેમ્બરમાં જ રિવાઇઝ બજેટ તૈયાર કરવામાં આવશે. કોરોનાને કારણે GST, વેટ અને સ્ટેમ્પ ડ્યુટી સહિતના વેરાની વસૂલાતમાં મોટો ઘટાડો નોંધાયો છે. રાજ્યમાં કોરોનાને લીધે આરોગ્ય ક્ષેત્રે ખર્ચ વધ્યો છે અને આવક ઘટી છે. જેથી આરોગ્ય સેવાઓમાં વધુ નાણાં ફાળવણી કરવામાં આવે તેવી શક્યતા છે.

નવેમ્બરના અંત સુધીમાં રાજ્ય સરકારની કુલ આવક રૂ. 45,894 કરોડ રહી હતી એ બજેટના અંદાજની સરખામણીએ માત્ર 45.30 ટકા છે. હવે નાણાકીય વર્ષને પૂરું થવામાં  માત્ર ચાર મહિના બાકી છે. આવક વધારવા માટે કોઈ નક્કર પગલા લઈ શકાય તેવી સ્થિતિમાં સરકાર નથી, જેથી નાણાકીય વર્ષની કુલ આવક અંદાજ કરતાં માંડ 65થી 70 ટકાએ પહોંચે એમ છે. પરિણામે આવક-ખર્ચના અંદાજોમાં મોટો તફાવત રહેવા તથા નાણાકીય સંતુલન બગડી જવાની આશંકા છે, એમ સરકારનાં સૂત્રોએ જણાવ્યું હતું.