શહેરમાં આજથી 24 કલાક માટે 15% પાણીકાપ

મુંબઈઃ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)એ શહેરભરમાં 24 કલાક માટે 15 ટકા પાણીકાપ લાગુ કર્યો છે. આ પાણીકાપ આજે સવારે 10 વાગ્યાથી શરૂ થયો છે અને આવતીકાલે સવારે 10 વાગ્યા સુધી ચાલુ રહેશે. આ 24 કલાકના સમયગાળા દરમિયાન શહેરના એલ-વોર્ડના ઘાટકોપર અને એન-વોર્ડના કુર્લા વિસ્તારોમાં પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રખાયો છે જ્યારે શહેરના અન્ય ભાગોમાં 15 ટકા પાણીકાપ છે. મુંબઈને પાણી પૂરું પાડતા અપર વૈતરણા જળાશયની 2,750 મિલીમીટર વ્યાસની મેઈન પાઈપલાઈનનું મહત્ત્વનું સમારકામ હાથ ધરાઈ રહ્યું છે તેથી શહેરમાં આ પાણીકાપ લાગુ કરવો પડ્યો છે.

થાણે જિલ્લાના ભિવંડીમાં યેવઈ વિસ્તારમાં આવેલા જળાશયોમાં કેટલુંક સમારકામ અને રીપ્લેસમેન્ટ કામ હાથ ધરાઈ રહ્યું હોવાથી મુંબઈ શહેરમાં આ પાણીકાપ મૂકવો પડ્યો છે. આગરા રોડ વાલ્વ કોમ્પલેક્સથી લઈને યેવઈ વચ્ચે ક્લોરિન ઈન્જેક્શન પોઈન્ટનું બીએમસી દ્વારા સમારકામ કરાઈ રહ્યું છે. તે ઉપરાંત ઘાટકોપરમાં હાઈ રીઝર્વોયરની પાણીની નહેરનો 1,400 મિ.મી.નો વાલ્વ બદલવામાં આવી રહ્યો છે તેથી એન-વોર્ડના વિસ્તારોમાં પાણી પુરવઠો બંધ કરવો પડ્યો છે. મુંબઈવાસીઓને 24 કલાક માટે પાણીનો સંગ્રહ કરી રાખવા તેમજ સમજદારીપૂર્વક પાણીનો ઉપયોગ કરવાની મહાપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે.