પટનાઃ બિહારની મતદાર યાદીના વિશેષ ગહન પુનરીક્ષણ (SIR) અભિયાન અંગેની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે SIRનો હેતુ જ મૃતક લોકોને મતદાર યાદીમાંથી બહાર કરવાનો છે. સુપ્રીમ કોર્ટ સમક્ષ કોઈ રાજકીય પક્ષ અથવા મતદારે અપીલ નથી કરી, પરંતુ દિલ્હીમાં બેઠેલી ADR સંસ્થા 65 લાખ લોકોના આંકડા માગી રહી છે. અરજીકર્તા તરફથી વકીલ વૃંદા ગ્રોવરે કહ્યું હતું કે 65 લાખ લોકોમાં ઘણા એવા પ્રવાસી મજૂરો છે જેઓ ફોર્મ ભરી શક્યા નથી અને તેમનાં નામ મતદાર યાદીમાંથી બહાર થઈ ગયાં છે.
વકીલ અને વરિષ્ઠ કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીએ દલીલ કરી હતી કે છેલ્લી વાર ચૂંટણી પંચે આધાર કાર્ડ અને મતદાર કાર્ડને માન્ય દસ્તાવેજોની યાદીમાં સામેલ કરવાનો વિરોધ શા માટે કર્યો? કારણ કે ચૂંટણી પંચ માને છે કે આ બંને દસ્તાવેજ કોઈ વ્યક્તિની નાગરિકતા નક્કી કરવા પૂરતા પુરાવા નથી. આ સિવાય બીજું કોઈ કારણ નથી. એના પર સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ ચૂંટણી પંચ નથી કહી રહ્યું, પરંતુ આધાર કાયદામાં આવું લખેલું છે.

ચૂંટણી પંચે કહ્યું હતું કે અરજીકર્તા ફક્ત આશંકાઓને આધારે પ્રશ્નો ઊભા કરી શકતા નથી. અંતિમ મતદાર યાદીમાં બધી ભૂલો સુધારી દેવામાં આવશે. એના પર ઉચ્ચતમ ન્યાયાલયે અરજીકર્તાઓને કહ્યું હતું કે મોટા ભાગે આ વિશ્વાસની કમીનો મામલો લાગે છે, બીજું કંઈ નહીં. ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે લગભગ 6.5 કરોડ લોકોને બિહાર SIR માટે કોઈ દસ્તાવેજો દાખલ કરવાની જરૂર નહોતી, કારણ કે તેમનું અથવા તેમનાં માતા-પિતાનું નામ 2003ની મતદાર યાદીમાં હતું. કોર્ટસ પોતાની ટિપ્પણીમાં કહ્યું કે જો કુલ 7.9 કરોડ મતદારોમાંથી 7.24 કરોડે જવાબ આપ્યો છે, તો આ એક કરોડ મતદારોના ગાયબ થવાની વાતને કોર્ટ નકારી કાઢે છે.


