અમદાવાદ: શહેરની જાણીતી શાળા શ્રેયસ ફાઉન્ડેશન દ્વારા તેના વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “શ્રેયસ વસંત નૃત્યોત્સવ”ની ઉજવણી કરવામાં આવી. વિદ્યાર્થીઓને તેમની સાંસ્કૃતિક પરંપરાનું જતન કરવાની, પોતાની આંતરિક ક્ષમતાઓ શોધવાની અને વૈશ્વિક નાગરિક તરીકેની જવાબદારીઓ સમજવાની તક આપતું શૈક્ષણિક વાતાવરણ સર્જવાના દ્રષ્ટિકોણ સાથે શ્રેયસ ફાઉન્ડેશને વસંત ઋતુના આગમનનો ઉત્સવ ઉજવ્યો હતો. જેમાં 1600 કરતાં પણ વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
વસંત નૃત્યોત્સવ શ્રેયસ ફાઉન્ડેશનના સર્વાંગી શિક્ષણના સંકલ્પનું જીવંત પ્રત્યક્ષ ઉદાહરણ છે, જ્યાં અભ્યાસ માત્ર પાઠ્યપુસ્તક સુધી સીમિત નથી, પરંતુ સંસ્કૃતિ, સર્જનાત્મકતા અને આત્મ-અભિવ્યક્તિ સુધી વિસ્તરે છે. આ ઉત્સવ વિદ્યાર્થીઓને સમગ્ર શૈક્ષણિક વર્ષ દરમિયાન શીખેલા પરંપરાગત નૃત્યોને રજૂ કરવાની એક સક્રિય અને સર્જનાત્મક તક આપે છે.
આ વર્ષે નૃત્યોત્સવનો મુખ્ય વિષય ભારતના વિવિધ રાજ્યોના પરંપરાગત નૃત્યો હતો. જેમાં આપણા દેશની વૈવિધ્યસભર અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની ઉજવણી કરવામાં આવી. આ રજૂઆતો દ્વારા વિદ્યાર્થીઓ માત્ર પોતાની કળાત્મક કુશળતા જ ન દર્શાવી, પરંતુ દેશના વિવિધ પ્રદેશોની પરંપરા, વાર્તાઓ અને તાલ સાથે પણ ઊંડો સંવાદ સ્થાપિત કર્યો.
આ કાર્યક્રમ શ્રેયસ ફાઉન્ડેશનના વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, આત્મવિશ્વાસ અને સાંસ્કૃતિક જાગૃતિ વિકસાવવાના ધ્યેયને પ્રતિબિંબિત કરે છે. વિવિધ પ્રાદેશિક લોક અને શાસ્ત્રીય પરંપરાઓ સાથે જોડાઈને વિદ્યાર્થીઓમાં વૈવિધ્ય પ્રત્યે આદર, શિસ્ત, સહકારભાવ અને આત્મઅભિવ્યક્તિની ક્ષમતા વિકસે છે.

શ્રેયસ વસંત નૃત્યોત્સવ વસંત ઋતુના નવચેતન, આનંદ અને કળાત્મક વિકાસનું રંગીન અને પ્રેરણાદાયી ઉજવણીરૂપ બન્યો, જ્યાં યુવા વિદ્યાર્થીઓ મંચ પર પોતાની પ્રતિભા દ્વારા પરંપરાને વંદન કર્યું અને પોતાના વિકસતા વ્યક્તિત્વને અભિવ્યક્ત કર્યું.




