સુરત ડિમોલિશન ફાઇલ : બુલડોઝર પાછળનો અદ્રશ્ય હાથ કોનો ?

સુરત: કતારગામ વિસ્તારમાં આવેલા નાસીરનગરમાં ગયા અઠવાડિયે બનેલી એક ઘટના સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બની છે. આશરે ૧૦૦થી વધુ મકાનો બુલડોઝર વડે તોડી પાડવામાં આવ્યા, પરંતુ આશ્ચર્યજનક બાબત એ છે કે આ કાર્યવાહી માટે કોઈ સરકારી વિભાગ કે અધિકારી જવાબદારી સ્વીકારવા તૈયાર નથી. પરિણામે આ ઘટનાને સ્થાનિક સ્તરે ઘોસ્ટ ડિમોલિશન કે ભૂતિયા ડિમોલિશન તરીકે ઓળખવામાં આવી રહી છે.નાસીરનગરમાં એ દિવસ સામાન્ય દિવસ જેવો જ શરૂ થયો હતો. લોકોને કદાચ ખ્યાલ પણ નહોતો કે થોડા કલાકો પછી તેમનું સરનામું માત્ર કાગળ પર રહી જશે. અચાનક બુલડોઝરના ગર્જતા અવાજો સંભળાયા. ધૂળના વાદળો ઊડવા લાગ્યા. લોખંડના જડબાં જેવી મશીનો એક પછી એક ઘરોને ગળી જવા લાગી. લોકો દોડી રહ્યા હતા. કોઈ ઘરવખરી બચાવી રહ્યું હતું, કોઈ દસ્તાવેજો શોધી રહ્યું હતું.. થોડા કલાકો પછી બધું શાંત થઈ ગયું. જ્યાં થોડા સમય પહેલાં એક જીવંત વસાહત હતી, ત્યાં હવે માત્ર કાટમાળ અને હવામાં ધૂળ ઉડી રહી હતી. જ્યારે અસરગ્રસ્ત લોકોએ પૂછ્યું, અમારા ઘરો તોડવાનો આદેશ કોણે આપ્યો? ત્યારે એમને લાગ્યું હશે કે જવાબ સરળ હશે. કોઈ અધિકારીનું નામ આવશે. કોઈ કચેરીનો ઓર્ડર બહાર આવશે કે કોઈ જવાબદાર વ્યક્તિ સામે આવશે. પણ એવું કંઈ થયું નહીં અને એ જ ક્ષણે આ ઘટના એક સામાન્ય ડિમોલિશનમાંથી રહસ્યમાં ફેરવાઈ ગઈ.સમગ્ર ઘટના અંગે સ્થાનિક રહેવાસીઓ કહે છે, બુલડોઝર અને મશીનરી સાથે મકાનો તોડી પાડવામાં આવ્યા અને સ્થળ પર પોલીસ તેમજ સુરત મહાનગરપાલિકા (SMC)ના કર્મચારીઓ પણ હાજર હતા. જ્યારે અસરગ્રસ્તોએ પ્રશ્નો ઉઠાવ્યા ત્યારે કોઈ સ્પષ્ટ જવાબ મળ્યો નહીં. આ સમગ્ર મામલે સુરત મહાનગરપાલિકાએ સ્પષ્ટતા કરી છે કે પાલિકાએ કોઈ ડિમોલિશન ઓર્ડર જારી કર્યો નહોતો. મ્યુનિસિપલ અધિકારીએ જણાવ્યું કે પાલિકાની ટીમ માત્ર જમીનનું ડિમાર્કેશન કરવા માટે સ્થળ પર ગઈ હતી. બીજીબાજુ પાલિકા દ્વારા આ સમગ્ર ઘટનાની તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે.કતારગામના ભાજપ ધારાસભ્ય વિનુ મોરડિયાએ પણ જાહેરમાં જણાવ્યું કે એમણે કોઈ ડિમોલિશન માટે સૂચના આપી નથી. ઘટનાના જવાબદારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. એમણે પણ ઘટનાની નિષ્પક્ષ તપાસની માંગણી કરી છે. કોંગ્રેસ આ મુદ્દાને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી ચૂકી છે ત્યારે સવાલ એ છે કે જો આદેશ નહોતો તો બુલડોઝર કોના કહેવાથી આવ્યા? જો કાર્યવાહી સત્તાવાર નહોતી, તો પોલીસ ત્યાં શું કરી રહી હતી? જો કોઈ જવાબદાર નથી, તો ૧૦૦થી વધુ ઘરોનો કાટમાળ કોની જવાબદારી છે? દરેક જવાબ પાછળ એક નવો સવાલ છેનાસીરનગર આજે એક ક્રાઇમ થ્રિલરની અધૂરી ફાઇલ જેવું લાગે છે. ઘટનાસ્થળ છે, સાક્ષીઓ છે, નુકસાન અને પરિણામ છે.માત્ર એક વસ્તુ ગાયબ છે. આદેશ કોણે આપ્યો ? ઘરો તોડનાર બુલડોઝર તો દેખાઈ ગયા પરંતુ બુલડોઝરની પાછળનો અદૃશ્ય હાથ આખરે કોનો હતો?

ડિમોલિશનની કામગીરી સામે ગુજરાત હાઇકોર્ટમાં સ્પેશ્યલ સિવિલ એપ્લિકેશન દાખલ કરવામાં આવી છે. જેમાં બાકી બચેલા ઘરોને તોડવા પર સ્ટે મૂકવા અને ઘરવિહોણા પરિવારો માટે વિકલ્પિક વ્યવસ્થાની માગ કરાય છે.

(અરવિંદ ગોંડલિયા – સુરત)
(તસવીરો – ધર્મેશ જોશી)