નવી દિલ્હીઃ પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર (PoK)માં પાકિસ્તાની સેના અને સુરક્ષા દળો સાથે થયેલા હિંસક સંઘર્ષમાં 150થી વધુ લોકોનાં મોત થયાનો દાવો કરવામાં આવી રહ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર પાકિસ્તાની સેનાએ પ્રદર્શનકારીઓ પર દોડાવી-દોડાવીને ગોળીબાર કર્યો હતો, જેમાં અનેક લોકોનાં મોત થયાં છે અને 100થી વધુ લોકો ઘાયલ થયા છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં તણાવ વધી ગયો છે. આંદોલનનું નેતૃત્વ કરતી જોઇન્ટ અવામી એક્શન કમિટીએ આરોપ લગાવ્યો છે કે સેનાએ રાવલકોટમાં એક જનાજામાં સામેલ થયેલા લોકો પર ગોળીબાર કર્યો હતો.
પ્રદર્શનની ચેતવણી શા માટે આપવામાં આવી?
અહેવાલો મુજબ શાહઝેબના જનાજામાં હાજર લોકો પાકિસ્તાની સેના અને શહબાઝ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. એ દરમિયાન સુરક્ષા દળોએ ગોળીબાર શરૂ કર્યો હતો. કમિટીના આરોપ મુજબ સુરક્ષા દળો મૃત્યુ પામેલા પ્રદર્શનકારીઓના મૃતદેહો પણ પોતાની સાથે લઈ ગયા હતા.
જોઇન્ટ અવામી એક્શન કમિટીએ આજે મોટા પાયે પ્રદર્શન કરવાની ચેતવણી આપી હતી. તે પહેલાં જ સેનાએ 27 લોકોને ગોળી મારી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. એવી માહિતી પણ સામે આવી છે કે કમિટીના નેતા શૌકત નવાઝ મીરને દેખતાં જ ગોળી મારી દેવાના આદેશ આપવામાં આવ્યા છે. કારણ કે તેમણે શહબાઝ સરકાર વિરુદ્ધ મોટા પ્રદર્શનની જાહેરાત કરી હતી. આ ઘટનાથી સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો છે.
મસ્જિદોમાંથી કરવામાં આવી રહી છે જાહેરાતો
જમ્મુ-કાશ્મીર જોઇન્ટ અવામી એક્શન કમિટીના સમર્થકો રાવલકોટની મસ્જિદોમાંથી સતત જાહેરાતો કરી રહ્યા છે કે કાશ્મીર પર વિદેશી શક્તિઓએ હુમલો કર્યો છે. આ જાહેરાતોમાં લોકોને મોટી સંખ્યામાં બહાર આવીને વિરોધ કરવા અને સામનો કરવા અપીલ કરવામાં આવી રહી છે. લોકો ભેગા ન થાય તે માટે સમગ્ર વિસ્તારમાં ઇન્ટરનેટ સેવા બંધ (ઇન્ટરનેટ બ્લેકઆઉટ) કરી દેવામાં આવી છે.
પાકિસ્તાનની નીતિઓ પર પ્રશ્નો
પાકિસ્તાને બે અલગ મોરચા ખોલી દીધા છે – એક ગિલગિત-બાલ્ટિસ્તાનમાં અને બીજો આઝાદ કાશ્મીરમાં. બંને વિસ્તારોમાં સરકારની ટીકા કરનાર લોકોને “ભારતીય એજન્ટ” ગણાવી દેવામાં આવે છે.
હિંસા કેમ ભડકી?
પાકિસ્તાનના કબજાવાળા જમ્મુ-કાશ્મીરમાં જુલાઈ મહિનામાં ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પહેલાં અહીંના લોકો વિસ્તારને યોગ્ય રાજકીય પ્રતિનિધિત્વ આપવાની માગ કરી રહ્યા છે. આ વિસ્તાર લાંબા સમયથી મૂળભૂત સુવિધાઓ અને રાજકીય અધિકારો માટે સંઘર્ષ કરી રહ્યો છે.






