અમદાવાદઃ મ્યુનિસિપલ રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેન CA જૈનિક વકીલે શહેરના વિવિધ માર્ગો પર રોડ રિસર્ફેસિંગ, પેચવર્ક, ખાડા પૂરવા તેમ જ અન્ય જાળવણીની કામગીરી વિવિધ એજન્સીઓ દ્વારા હાથ ધરવા બાબતે અમદાવાદના મ્યુનિસિપલ કમિશનરને એક વિનંતી કરતો પત્ર લખ્યો છે, તેમાં તેમણે રોડ, રસ્તાની હાલ કામગીરીની ગુણવત્તા, મશીનરીનો વાસ્તવિક ઉપયોગ, ઉત્પાદિત મટીરિયલનો વપરાશ તથા કામગીરીના સ્થળની સમયસર ચકાસણી માટે એક સંકલિત અને પારદર્શક વ્યવસ્થાની અપેક્ષા વ્યક્ત કરી છે. તેમણે એ માટે કામગીરીની અસરકારક દેખરેખ તથા જવાબદારી સુનિશ્ચિત કરવા માટે નીચે મુજબની વ્યવસ્થા અમલમાં મૂકવા વિનંતી છે.

સૂચિત કાર્યવાહી

- એક અમદાવાદમાં ચાલતા તમામ રોડના રિર્ફેસ તેમ જ પેચવર્કમાં કેટલા ચોરસ મીટર અને કેટલા મેટ્રિક ટનની કામગીરી કરી તેની વિગતો લોકેશન સાથે મોકલવી તેમ જ શહેરના તમામ હોટ મિક્સ પ્લાન્ટ્સની SCADA સિસ્ટમમાંથી દૈનિક ઉત્પાદન, ડિસ્પેચ, ટ્રિપ્સ તથા ગંતવ્ય સ્થળની વિગતો મળે તે હેતુથી સરક્યુલર નંબર 66/1 (15/12/2022) મુજબ સ્કેડા સિસ્ટમ એક્ટિવ કરવી.
- શહેરમાં કામગીરી કરતી તમામ એજન્સીઓ દ્વારા દરરોજ ઉપયોગમાં લેવાતી તમામ મશીનરીની વિગતો ઓનલાઇન નિયત ફોર્મેટમાં જાળવવી.
- દરેક રિસર્ફેસની કામગીરી માટે પહેલાં, દરમ્યાન અને પછીના ફોટોગ્રાફ્સ સાથે જિયો-ટેગ્ડ પુરાવા અપલોડ કરવાનું ફરજિયાત રાખવામાં આવે.
- સંબંધિત ઝોનના ડેપ્યુટી સિટી એન્જિનિયર દ્વારા દૈનિક ચકાસણી કરી પ્રમાણિત અહેવાલ સિટી એન્જિનિયરને રજૂ કરવામાં આવે.
- દૈનિક ડેશબોર્ડમાં નીચેની વિગતો ઉપલબ્ધ રહેઃ
- ઝોનવાર કાર્યરત મશીનરી
- રોડવાર પૂર્ણ થયેલી કામગીરી
- બાકી રહેલી કામગીરી
- મટીરિયલનો વપરાશ
- મશીનરીની ઉપયોગિતા
- ખામીયુક્ત/ બંધ મશીનરીની વિગતો
- SCADA GPS તથા સાઇટ ઉપરની વાસ્તવિક કામગીરી વચ્ચે કોઈ વિસંગતિ જણાય તોતેની જવાબદારી સંબંધિત એજન્સી તથા જવાબદાર અધિકારીની નક્કી કરી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી વ્યવસ્થા કરવી.
- તમામ માહિતી ડિજિટલ સ્વરૂપે સંગ્રહિત રાખવામાં આવે, જેથી બિલ ચકાસણી, ગુણવત્તા નિયંત્રણ, ઓડિટ તથા ભવિષ્યના સંદર્ભ માટે તેનો ઉપયોગ થઈ શકે.




