ભારતે ઇતિહાસમાં પહેલીવાર 12 પરમાણુ હથિયારો કર્યા ઓપરેશનલ તૈનાત!

વૈશ્વિક સ્તરે હથિયારોના ભંડાર અને સૈન્ય ક્ષમતાઓનું મૂલ્યાંકન કરતી આંતરરાષ્ટ્રીય સંસ્થા ‘સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ’ (SIPRI) ના તાજા વાર્ષિક અહેવાલે પાકિસ્તાન અને ચીન સહિત સમગ્ર સંરક્ષણ ક્ષેત્રમાં હલચલ મચાવી દીધી છે. આ રિપોર્ટમાં દાવો કરાયો છે કે, ભારતે પોતાની સંરક્ષણ વ્યુહરચનામાં અત્યાર સુધીનો સૌથી મોટો અને ક્રાંતિકારી ફેરફાર કર્યો છે. ભારતે પોતાના કુલ પરમાણુ ભંડારમાંથી ઓછામાં ઓછા 12 પરમાણુ હથિયારોને ઓપરેશનલ એટલે કે યુદ્ધના મોરચે હમેશાં વાપરવા માટે તૈયાર હોય તે રીતે સૈન્ય પ્લેટફોર્મ પર તૈનાત કરી દીધા છે.

આ તૈનાતીનો અર્થ એ છે કે ભારતીય યુદ્ધપોતો, પરમાણુ સબમરીન અથવા વાયુસેનાના વિશેષ એરબેઝ પર આ હથિયારોને ડિલિવરી સિસ્ટમ (મિસાઈલ કે લડાયક વિમાન) સાથે કનેક્ટ કરીને રાખવામાં આવ્યા છે. જો કોઈ દુશ્મન દેશ ભારત પર પરમાણુ હુમલો કરવાની નાપાક કોશિશ કરશે, તો ભારત સેકન્ડોના ગણતરીના સમયમાં જ અણુ વળતો પ્રહાર (સેકન્ડ સ્ટ્રાઈક) કરવાની અત્યંત ઘાતક ક્ષમતા ધરાવે છે.

પરમાણુ હથિયારોની જૂની વ્યવસ્થામાં મોટો બદલાવ

SIPRI ના રિપોર્ટ અનુસાર, અગાઉના દાયકાઓમાં એવું માનવામાં આવતું હતું કે શાંતિના સમયમાં ભારત પોતાની પરમાણુ નીતિ હેઠળ વોરહેડ્સ (અણુ બોમ્બ) અને તેને લઈ જનારી મિસાઈલો અથવા લોન્ચર્સને અલગ-અલગ ગુપ્ત સ્ટોરેજમાં રાખે છે. પરંતુ આ વખતે પ્રથમવાર ભારતના હથિયારોને ‘સ્ટોકપાઈલ’ (માત્ર ભંડાર) ના બદલે ‘ઓપરેશનલ તૈનાતી’ ની શ્રેણીમાં દર્શાવવામાં આવ્યા છે. તાજેતરના વર્ષોમાં ભારત દ્વારા મિસાઈલોને કૅનિસ્ટર (Canisterized) માં સુરક્ષિત રાખવાની અને સમુદ્રમાં ઘાતક ગશ્ત વધારવાની ટેકનોલોજી એ સાબિત કરે છે કે ભારત હવે શાંતિના સમયમાં પણ હથિયારોને લોન્ચર સાથે જોડીને રાખવાની દિશામાં ઘણું આગળ વધી ચૂક્યું છે.

ભારત પાસે 190 અણુબોમ્બ: પાકિસ્તાન પાછળ છૂટ્યું

અહેવાલમાં સત્તાવાર આંકડા જાહેર કરતા જણાવવામાં આવ્યું છે કે, જાન્યુઆરી 2026 સુધીમાં ભારત પાસે કુલ 190 પરમાણુ વોરહેડ્સ ઉપલબ્ધ છે. તેમાંથી 12 વોરહેડ્સ સંપૂર્ણ એક્ટિવ મોડમાં છે. બીજી તરફ, પાકિસ્તાન પાસે કુલ 170 પરમાણુ વોરહેડ્સ છે, પરંતુ તેમાંથી એક પણ હથિયાર અત્યારે ઓપરેશનલ તૈનાતીની સ્થિતિમાં નથી. રિપોર્ટમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ભારત હવે પાકિસ્તાનની સરખામણીએ ઘણી વધારે ઝડપથી અને અત્યાધુનિક ટેકનોલોજી સાથે પોતાના પરમાણુ કાર્યક્રમનો વિસ્તાર કરી રહ્યું છે અને સંરક્ષણ પાછળ મોટો ખર્ચ પણ કરી રહ્યું છે.

સમુદ્રની અંદરથી રક્ષા કવચ: INS અરિઘાત અને INS અરિદમન સક્રિય

SIPRI ના રિપોર્ટ મુજબ, ઓગસ્ટ 2024 થી ભારતીય નૌસેનાએ પરમાણુ મિસાઈલોથી સજ્જ પોતાની બે સૌથી આધુનિક સબમરીન INS Arighat અને INS Aridaman ને સંપૂર્ણપણે ઓપરેશનલ કરી દીધી છે. આ બંને સબમરીન સમુદ્રની અંદર મહિનાઓ સુધી છુપાઈને રહી શકે છે અને તેમને ‘ડિટરન્સ પેટ્રોલ’ (સુરક્ષા અને જવાબી ક્ષમતા જાળવી રાખતી ગશ્ત) માટે લીલી ઝંડી મળી ચૂકી છે. ભારતની “નો ફર્સ્ટ યુઝ” (પહેલા હુમલો ન કરવાની) સત્તાવાર નીતિ હોવાથી, આ સબમરીનનો મુખ્ય ઉદ્દેશ્ય દુશ્મનના કોઈપણ પરમાણુ હુમલા બાદ તેના આખા દેશને નેસ્તનાબૂદ કરવાનો છે.

પરમાણુ હથિયારો પર વૈશ્વિક ખર્ચનો નવો રેકોર્ડ

ઇન્ટરનેશનલ કેમ્પેઈન ટુ એબોલિશ ન્યુક્લિયર વેપન્સ (ICAN) ના અહેવાલ મુજબ, વર્ષ 2025 માં વૈશ્વિક સ્તરે પરમાણુ હથિયારો પર અત્યાર સુધીનો સૌથી રેકોર્ડબ્રેક ખર્ચ કરવામાં આવ્યો છે. સમગ્ર વિશ્વએ અણુ હથિયારો પાછળ કુલ 119 અબજ ડોલરનો ધુમાડો કર્યો છે.

કયા દેશે કેટલો પરમાણુ ખર્ચ કર્યો? (બજેટ આંકડા):

દેશનું નામ પરમાણુ હથિયારો પર સૈન્ય ખર્ચ (ડોલરમાં)

અમેરિકા (USA) 69.2 અબજ ડોલર
ચીન (China) 13.5 અબજ ડોલર
યુનાઇટેડ કિંગડમ (UK) 12.6 અબજ ડોલર
રશિયા (Russia) 9.5 અબજ ડોલર
ફ્રાન્સ (France) 7.7 અબજ ડોલર
ભારત (India) 2.8 અબજ ડોલર
પાકિસ્તાન (Pakistan) 1.5 અબજ ડોલર
ઈઝરાયેલ (Israel) 1.2 અબજ ડોલર
ઉત્તર કોરિયા (North Korea) 656 મિલિયન ડોલર