ઘરેબેઠા મેળવો સોમનાથ, કાશી વિશ્વનાથનો પ્રસાદ: પોસ્ટ વિભાગની ખાસ સેવા

અમદાવાદ: શ્રાવણ મહિનાના પવિત્ર અવસર પર ભગવાન શિવના દર્શન અને પ્રસાદરૂપી આર્શીવાદ મેળવવાની ઈચ્છા કોની ન હોય? આવા ભક્તો માટે ભારતીય ડાક વિભાગ ખાસ સુવિધા લઈને આવ્યું છે. ભક્તો હવે દેશના કોઈપણ ખૂણેથી ઘરેબેઠા જ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ (ગુજરાત) અને શ્રી કાશી વિશ્વનાથ (વારાણસી)નો પવિત્ર પ્રસાદ સ્પીડ પોસ્ટ મારફતે મંગાવી શકશે. ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ દ્વારા આ માહિતી આપવામાં આવી.

૧. શ્રી સોમનાથ મંદિરનો પ્રસાદ કેવી રીતે મેળવવો?

  • ઈ-મનીઓર્ડર રકમ: 270 રૂ.

  • સરનામું: મેનેજર, શ્રી સોમનાથ ટ્રસ્ટ, પ્રભાસ પાટણ, જિલ્લો – જૂનાગઢ, ગુજરાત – 362268

  • પ્રક્રિયા: ઈ-મનીઓર્ડર કરતી વખતે ‘પ્રસાદ માટે બુકિંગ’નો ઉલ્લેખ કરવો ફરજિયાત

  • પ્રસાદમાં શું મળશે: 400 ગ્રામના પેકેટમાં 200 ગ્રામ મગસના લાડૂ, 100 ગ્રામ તલની ચિક્કી અને 100 ગ્રામ માવાની ચિક્કીનો સમાવેશ થાય છે.

૨. શ્રી કાશી વિશ્વનાથ મંદિરનો પ્રસાદ કેવી રીતે મેળવવો?

  • ઈ-મનીઓર્ડર રકમ: 251 રુ.

  • સરનામું: પ્રવર અધિક્ષક ડાકઘર, વારાણસી (પૂર્વ) મંડળ – 221001

  • પ્રસાદમાં શું મળશે: કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગની છબી, મહામૃત્યુન્જય યંત્ર, શ્રી શિવ ચાલીસા, 108 દાણાની રુદ્રાક્ષની માળા, બેલપત્ર, માતા અન્નપૂર્ણા પાસેથી ભિક્ષા લેતા શિવજીની છબીવાળો સિક્કો, ભભૂતિ, રક્ષા સૂત્ર, રુદ્રાક્ષ મણકો, ડ્રાયફ્રૂટ્સ અને મિશ્રીનું પેકેટ. આ પ્રસાદ ડ્રાય (સૂકા) સ્વરૂપમાં હોવાથી લાંબા સમય સુધી સાચવી શકાય છે.

લાઈવ ટ્રેકિંગ અને SMS સુવિધા

પોસ્ટ વિભાગ દ્વારા ભક્તોને પ્રસાદની ટ્રેકિંગ વિગતો SMS દ્વારા મોકલવામાં આવશે. આ માટે ભક્તોએ ઈ-મનીઓર્ડર ફોર્મમાં પોતાનું પૂરું સરનામું, પિન કોડ અને મોબાઈલ નંબર સ્પષ્ટપણે લખવા જરૂરી છે.