‘તોફાન પહેલાની શાંતિ’: ઉદ્ધવ ઠાકરેના મોદી સરકાર પર આકરા પ્રહારો

શિવસેના (UBT) ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ લાંબા સમયથી ચાલી રહેલા શિવસેનાના રાજકીય અને કાનૂની વિવાદનો ઉલ્લેખ કરતા કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. ઠાકરેએ જણાવ્યું હતું કે છેલ્લા 4 વર્ષથી આ મામલાની સુનાવણી ચાલી રહી હોવાથી તેઓ અત્યાર સુધી મૌન હતા, પરંતુ દેશમાં બની રહેલી પરિસ્થિતિઓને જોતા હવે બોલવું જરૂરી બની ગયું છે. તેમણે દેશની વર્તમાન રાજકીય પરિસ્થિતિની સરખામણી હવામાનમાં સર્જાતા લો પ્રેશર સાથે કરતા કહ્યું કે, દેશમાં સ્વાર્થી પવનો વાઈ રહ્યા છે અને તુફાન પહેલાની શાંતિ દેખાઈ રહી છે. તેમણે કેન્દ્ર સરકાર પર યુવાનોનો અવાજ ન સાંભળવાનો આરોપ લગાવ્યો હતો.

‘જેન-જી એ સરકારને ઘૂંટણિયે લાવી દીધી’

ઉદ્ધવ ઠાકરેએ ‘જેન-જી’ (Gen-Z) ના આંદોલનનો ઉલ્લેખ કરતા કહ્યું કે આ પેઢીએ સરકારને ઘૂંટણિયે લાવી દીધી છે. યુવાનોની સમસ્યાઓ સમજવા અને તેમની સાથે સંવાદ કરવાને બદલે તેમના પર લાઠીચાર્જ કરવામાં આવ્યો, કોઈનું માથું ફોડી નાખવામાં આવ્યું તો કોઈના પગ ભાંગી નાખવામાં આવ્યા. ઠાકરેએ સવાલ ઉઠાવ્યો કે જ્યારે દેશનો યુવા પોતાની સમસ્યાઓ લઈને રસ્તા પર ઉતરી રહ્યો છે, ત્યારે વડાપ્રધાન તેમની સાથે વાતચીત કરવા કેમ તૈયાર નથી? દેશ આજે વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહમંત્રી પાસે જવાબ માગી રહ્યો છે.

‘યુવાનો માટે સમય નથી, પણ શિંદેને મળવા માટે વડાપ્રધાન પાસે સમય છે’

ઉદ્ધવ ઠાકરેએ ભાજપ અને મુખ્યમંત્રી એકનાથ શિંદે વચ્ચેના રાજકીય સંબંધો પર તંજ કસ્યો હતો. તેમણે ન્યાયમૂર્તિ જામદારના કથિત નિવેદનનો હવાલો આપતા કહ્યું કે ભાજપ પાસે ‘વોશિંગ મશીન’ છે, જેમાં અન્ય પક્ષોમાંથી આવતા નેતાઓના દાગ ધોવાઈ જાય છે. તેમણે ઉમેર્યું કે સરકાર પાસે યુવાનોને મળવાનો સમય નથી, પરંતુ જે લોકોએ શિવસેના તોડીને અલગ જૂથ બનાવ્યું છે, તેમને મળવાનો સમય ચોક્કસ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના મુંબઈ પ્રવાસનો ઉલ્લેખ કરતા ઠાકરેએ સ્વામી સમર્થના પ્રસિદ્ધ વાક્ય ‘ડરશો નહીં, હું તમારી સાથે છું’ નો હવાલો આપ્યો અને કહ્યું કે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ કેટલાક લોકોને આ જ અંદાજમાં આશ્વાસન આપી રહ્યા છે.

‘સુપ્રીમ કોર્ટમાં સુનાવણી વચ્ચે મુલાકાત કેમ?’

શિવસેના સંબંધિત મામલો સુપ્રીમ કોર્ટમાં વિચારાધીન છે તે દરમિયાન નેતાઓ વચ્ચે થઈ રહેલી મુલાકાતો પર ઠાકરેએ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે પૂછ્યું કે જ્યારે કેસ કોર્ટમાં છે ત્યારે આ મુલાકાતોથી શું સંદેશ આપવામાં આવી રહ્યો છે? ‘ચિંતા ન કરો, હું તમારી સાથે છું’ નો સંદેશ આખરે કોને અપાઈ રહ્યો છે? એકનાથ શિંદે પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે પહેલા શિંદે અમિત શાહને મળવા જતા હતા, પરંતુ હવે તેમણે પોતાના ‘બોસ’ બદલી નાખ્યા છે અને સીધા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી રહ્યા છે.

ઝારખંડમાં બાળકોના આંદોલન પર નિવેદન

ઉદ્ધવ ઠાકરેએ ઝારખંડમાં બાળકો દ્વારા કરવામાં આવી રહેલા આંદોલનનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે રાજ્ય સરકારે બાળકો સાથે વાતચીત કરવી જોઈએ અને તેમની સમસ્યાઓનો ઉકેલ લાવવો જોઈએ, કારણ કે ‘આ આપણા જ બાળકો છે.’ તેમણે એમ પણ ઉમેર્યું કે જો જરૂર પડશે તો તેઓ પોતે ઝારખંડ જઈને બાળકો સાથે મુલાકાત કરશે.