ડાંગ: જિલ્લાના સાપુતારા બસ ડેપો ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક પહોંચી ગયા. સમગ્ર તંત્રમાં દોડધામ મચી ગઈ. સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ-2026ના ઉદ્ઘાટન પ્રસંગે હર્ષ સંઘવી ડાંગ પહોંચ્યા હતા. આકસ્મિક મુલાકાત દરમિયાન દિવ્યાંગ મુસાફરો માટેનું શૌચાલય બંધ મળતાં તેમણે કંટ્રોલરને તાત્કાલિક બોલાવીને કડક સૂચના આપી અને તાળું ખોલાવી સુવિધા શરૂ કરાવી હતી.
Dang, Gujarat: Gujarat Deputy Chief Minister Harsh Sanghavi inspected the Saputara ST bus depot and took stock of the premises pic.twitter.com/xfWuSnUGbm
— IANS (@ians_india) August 8, 2026
સ્થળ પર જ આપ્યા આદેશ
ડેપોમાં પ્રવાસીઓની સુવિધાઓ અને સફાઈનું નિરીક્ષણ કરતી વખતે હર્ષ સંઘવીએ ભારે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે ડેપો કંટ્રોલર પાસે ખુલાસો માંગી દિવ્યાંગો સહિત તમામ મુસાફરો માટેની પાયાની સુવિધાઓ તુરંત કાર્યરત કરવાનો આદેશ આપ્યો હતો.
પ્રવાસીઓની સુવિધા માટે તંત્રને તાકીદ
મોન્સૂન ફેસ્ટિવલના કારણે રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ સાપુતારા આવે છે. આવા સમયે બસ ડેપો સહિતના જાહેર સ્થળો પર સ્વચ્છતા, પીવાનું પાણી, શૌચાલય અને પાર્કિંગ જેવી પ્રાથમિક સુવિધાઓ જળવાઈ રહે તે અત્યંત આવશ્યક હોવાનું હર્ષ સંઘવીએ અધિકારીઓને જણાવ્યું હતું. ખાસ કરીને દિવ્યાંગો, વૃદ્ધો અને મહિલા પ્રવાસીઓ માટેની સુવિધાઓ સરળતાથી ઉપલબ્ધ રહે તે સુનિશ્ચિત કરવા પર તેમણે ભાર મૂક્યો હતો.




